પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪

ઈશુ ખ્રિસ્ત

વચ્ચે હાજર થઈ ગયો, અને તેમની ખાતરી કરાવી આપી. પછી કેટલોક સમય સુધી તે તેમની સાથે જ રહી અદૃશ્ય થઈ ગયો. આવું ઘણી વાર અને ઘણે ઠેકાણે દેખાયું.

યહૂદીઓ, અર્થાત્, માને છે કે આ બધું ચોકીદારોને લાંચ આપીને યોજેલું કાવતરું જ હતું. શિષ્યોસે તેનું શબ ત્યાંથી ચોરી બીજી જગ્યાએ દાટી દીધું અને પછી આવી કથા ઉપજાવી કાઢી.

આ વાતમાં અર્ધું સત્ય હોવાનો સંભવ છે. ઈશુ કબરમાંથી ગૂમ થયો એમાં સચ્ચાઈ નયે હોય, શિષ્યોને એનું દર્શન થયું એ વાત સાચી હોય. મરી ગયા પછી પોતાના શિષ્યો તેમ જ બીજાઓને પણ મરી જનાર ગુરુનું પ્રતક્ષવત્ દર્શન થયાની હકીકત ઘણા સંતોના ચરિત્રોમાં લખાયેલી છે. એ દર્શનમાં વાતો થવી, સ્પર્શ થવો, કાંઈક પ્રસાદીની વસ્તુઓ મળવી વગેરે હકીકતો આવે છે. ચિત્ત શક્તિનું તે એક ગૂઢ છે એટલું જ કહી શકાય. મરનારે જીવન દરમ્યાન સેવેલી એવી વાસનાને પરિણામે તે બની શકે એ શક્ય છે. એવા ચમત્કારો શરૂઆતમાં જગ્યાએ જગ્યાએ દેખાય છે, પણ ધીમે ધીમે ઓછા થઈ જાય છે. કેટલીક વાર શિષ્યોની તીવ્ર કલ્પનાશક્તિ તેવાં દર્શન નિર્માણ કરે છે.

પણ આવાં દર્શન સાચાં હોય, કલ્પ્નાનિર્મિત હોય કે ગપ હોય, તેના ઉપર તે ગુરુની કે તેના ઉપદેશેલા ધર્મમાં રહેલી સચ્ચાઈને કિંમત આંકવી બરાબર નથી. ચમત્કાર સત્યનું કે સાધુતાનું આવશ્યક ચિહ્ન નથી. ખ્રિસ્તી ધર્માં જે કાંઈ સ્થિત સદ્‌અંશ છે તે ઈશુના ચારિત્રના અને વાણીના તેજનું પરિણામ છે; તેના વર્ણવાયેલા ચમત્કારોનું નહિ.