પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આપી છે તેમાંની એક એ કહેવાય છે કે, તેને દુષ્ટ લોકો મારી નાંખશે, પણ તે ત્રીજે દિવસે પોતાની કબરમાંથી પાછો ઊઠશે અને પોતાના ભક્તોને દર્શન દેશે. ઈશુ જો સાચે જ ઈશ્વરનો યુવરાજ હોય તો તેના જીવનમાંથી આ આગહી ખરી પડ્યાનું પ્રમાણ મળવું જોઇએ. ઈશુના જીવનચરિત્ર લખનારા કહે છે કે, એ વાત પુરાણોમાં લખ્યા મુજબ બરાબર બની હતી.

ઈશુને ક્રૂસ કર્યા પછી લગભગ નમતે પહોરે તેનો પ્રાણ ગયો. સાંજે પેસાહનું પર્વ શરૂ થતું હોવાથી તે પહેલાં જ તેની દફનક્રિયા થઈ જવી જરૂરી હતી. વિધિપૂર્વક દફન કરવાનો તો વખત નહોતો. છતાં, ઈશુના એક છૂપા પણ લાગવગ ધરાવનારા ભક્તે સૂબાને મળી તેના શબનો કબજો લીધો, અને એક તૈયાર કબરમાં તેને સુવાડી કબરના મોં પર એક શિલા ઢાંકી દીધી.

પૂજારીઓને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે, તેમને પૌરાણિક આગાહીની ખબર હોવાથી, ઈશુના શિષ્યો તરફથી કંઈ કપટ ન થાય તે માટે, કબર આગળ ચોકી પહેરો બેસાડ્યો.

શુક્ર, શનિ રવિ, ત્રણ રાત ગઈ અને સોમવાર (ઈસ્ટરના તહેવારનો છેલ્લો દિવસ) આવ્યો. પેસાહ પૂરું થવાથી, ઈશુનો અંત્યવિધિ તે દિવસે કરવાનો હતો. સવારના પહોરમાં ઈશુની મા અને એક શિષ્યા કબર આગળ જઈને જુએ તો શિલા ખસી ગઈ હતી અને તેમાં શબ ન મળે ! તેઓ આશ્ચર્ય પામી. પછી પાછું વળીને જોતાં, તેમને ત્યાં પ્રકાશમાં બે ફરિસ્તાઓ દેખાયા. તેમણે કહ્યું કે, આગાહી મુજબ ઈશુ કબરમાંથી ઊઠ્યો છે માટે તે સુસમાચાર શિષ્યોને જણાવવા.

તેઓએ તુરત પિટર વગેરેને ખબર આપ્યા. તેમને તેમાં શ્રદ્ધા ન બેઠી. પણ તેટલામાં ઈશુ પોતે જ તેમની