પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બીજાં પ્રવચનો

૧. શિષ્યોની વિદાયગીરી

(શિષ્યોને ઉપદેશ આપવા મોકલ્યા ત્યારે કહેલું:) જાઓ, પ્રભુનું રાજ્ય નજીક આવેલું છે એવો સંદેશ સર્વત્ર ફેલાવો; અને તે સાથે તમે માંદાઓને સાજા કરો, કોઢિયાને શુદ્ધ કરો, મૂએલાને જગાડો, ભૂતોને કાઢો. ઉદાર હાથે તમને મળ્યું છે, ઉદાર હાથે તમે તે આપો.

તમારી સાથે ન સોનું રાખશો, ન રૂપું; ન પિત્તળનાયે સિક્કા તમારી કોથળીમાં ભરશો, તમારા પ્રવાસ માટે ન ભાથું લેશો, ને ન જામા, ન જોડા, ન લાકડી; કારણ, મજૂર એના મહેનતાણાનો સર્વત્ર અધિકારી થાય છે.

વરુઓની વચ્ચે ઘેટાંની જેમ હું તમને મોકલું છું; માટે સર્પના જેવા સાવધ, અને હોલા જેવા રાંક થજો.

દુષ્ટ માણસોથી સંભાળજો. તેઓ તમને મારશે, ફટકાવશે અને રાજદરબારમાં સોંપશે. તમને કચેરીમાં ઊભા કરવામાં આવે ત્યારે શું જવાબ દેવો તેનો આગળથી વિચાર કરી રાખશો નહિ; ઈશ્વર જ તમને તમારો જવાબ સમય પર સુઝાડશે. કારણ, તમારે બોલવાનું નથી, ઈશ્વરને જ બોલવા દેવાનો છે.