પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોજો, એવો વિરોધ જાગશે કે ભાઈ ભાઈને, બાપ દીકરાને, અને દીકરા બાપને પકડાવશે, અને શૂળીએ ચડવાવશે. અને, મારે લીધે લોકો તમને ધિક્કારશે, પણ જે છેવટ સુધી ટકી રહેશે, તે તરી જશે.

એક જગ્યાએ કનડગત થાય તો બીજી જગ્યાએ ચાલ્યા જજો. હું તમારી સાથે જ છું.

ગુરુ કરતાં શિષ્ય ચડે નહિ, અને શેઠ કરતાં નોકર વધી શકે નહિ. શિષ્ય ગુરુના જેવો અને નોકર શેઠના જેવો થાય તો પૂરતું છે. માટે તેઓ જો મને શેતાન કહે છે, તો તમને કેમ છોડશે?

માટે બીકમાત્રનો ત્યાગ કરજો. આપણી પાસે એવું કશું ગુપ્ત નથી કે જે પ્રગટ કરવાનું ન હોય; કશું સંતાડેલું નથી કે જે ઉપાડી શકાય નહિ. મેં જે તમને ખૂણામાં કહ્યું હોય, તે તમે પ્રગટપણે કહેજો; જે કાનમાં કહ્યું હોય, તે મોટે અવાજે સંભળાવજો.

અને, શરીરની હાણથી ડરશો નહિ, આત્માની હાનિથી ડરજો. કારણ, આત્માની હાનિ થયે શરીર પણ નરકવાસી જ થશે.

એક ઈંડુયે પ્રભુની આજ્ઞા વિના નીચે પડી શકતું નથી; તમારા માથા પરના એકેએક વાળનીયે ઈશ્વરને ત્યાં ગણતરી છે. માટે ચિંતા ન કરો, ઈશ્વરને ત્યાં તમારી કિંમત ઈંડાં કરતાં વધારે છે. જેઓ જગત સમક્ષ મને સ્વીકારશે તેમને હું ઈશ્વર આગળ સ્વીકારીશ. પણ જે જગતના ડરથી મારો ઈનકાર કરશે, તેમનો હું પણ ઈશ્વર આગળ ઈનકાર કરીશ.