પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮

ઈશુ ખ્રિસ્ત

હું કાંઈ જગતમાં શાંતિ લાવવા જ નથી આવ્યો. રમખાણ મચાવવા પણ આવ્યો છું. બાપ અને દીકરા વચ્ચે, મા અને દીકરી વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે વિરોધ મચશે. સૌથી મોટા કલહ ઘરમાં જ જાગશે. જે મારા કરતાં માની કે બાપની વધુ કિંમત સમજશે, કે દીકરા દીકરીનો વધારે મોહ રાખશે, તે મને પામવા યોગ્ય નથી. મને અનુસરવું હોય તે પોતાનો ક્રૂસ પોતાને જ ખભે મૂકીને ચાલ્યો આવે. જે (નાશવંત) જીવનને બચાવવા જશે, તે (અવિનાશી) જીવનને ખોશે! પણ મારે માટે જે (નાશવંત) જીવન ખોશે, તેને (અવિનાશી) જીવન મળશે.

જેઓ તમને સ્વીકારશે, તેમણે મને સ્વીકાર્યો છે. અને, જેમણે મને સ્વીકાર્યો છે, તેમણે મને મોકલનારને સ્વીકાર્યા છે.

૨. પ્રભુનું ધામ

પ્રભુનું ધામ રાઈના દાણા જેવું છે. દેખાવમાં તો એ ઝીણામાં ઝીણું છે; પણ જ્યારે ઊગે છે ત્યારે મોટું વૃક્ષ થાય છે, અને કેટલાયે પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે.

વળી, પ્રભુનું ધામ ખમીરના જેવું છે; જેનો થોડોક અંશ ઘણા લોટમાં ભળીને બધી કણકનો આથો ચડાવે છે.

અને વળી પ્રભુનું ધામ પુષ્કળ ખજાનો દાટેલા ખેતર જેવું છે; જેની માણસને જાણ થતાં, તે ઉતાવળો થઈ તેને પોતાનું સર્વ ધન આપી ખરીદી લેવા તત્પર થાય છે, અને સોદો થાય નહિ ત્યાં સુધી ખજાનાની વાત પ્રગટ થવા દેતો નથી.