લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯

બીજાં પ્રવચનો

અને વળી, પ્રભુનું ધામ ઉત્કૃષ્ટ મોતી જેવું છે. જેમ ઝવેરાતનો વેપારી તેની જાણ થતાં પોતાનું બીજું બધું ધન આપી તેને ખરીદવા જાય, તેમ મુમુક્ષુ તેને લેવા મથે.

૩. મોંની બહાર અને અંદર

(ઈશુના કેટલાક શિષ્યોએ હાથ ધોયા વિના ખાધું તે પરથી ઊઠેલા સવાલ પર -)

તમે જે વસ્તુઓ તમારા મોં વાટે પેટમાં નાખો છો, તે છેવટે તો બહાર જ નીકળી જાય છે. પણ તમે જે મોંમાંથી બહાર કાઢો છો, તે તો હ્રદયની વસ્તુ છે; અને તેની ખરાબી તમને ખરાબ કરે છે. કારણ, હ્રદયમાંથી જ કુવિચારો, ખૂન, વ્યભિચાર, લંપટતા, ચોરી, ખોટી સાક્ષી અને નિંદા નીકળે છે. માણસને અપવિત્ર કરનાર ચીજ તો આ છે; હાથપગ ધોયા વિના ખાવાનો દોષ તો નજીવી બાબત છે.

૪. બાલવૃત્તિ

એક વાર ઈશુએ એક બાળકને પોતાના શિષ્યો આગળ બેસાડીને કહ્યું:

આ બાળક જેવા તમે ન થાઓ, ત્યાં સુધી તમારે માટે ઈશ્વરનો દરવાજો બંધ છે. જે આ બાળક જેવો નમ્ર બને છે, તે ઈશ્વરની નજરમાં મોટામાં મોટો થાય છે. અને જે આવા બાળકને મારે નામે અપનાવે છે, તે મને અપનાવે છે. પણ જે આવા નિર્દોષ બાળક પ્રત્યે ગુનો કરે છે, તે તો ગળે ઘંટીનું પડ બાંધી ડુબાડી દેવા જેવો છે.

હાથ, પગ કે આંખ પાપ કરવા પ્રવૃત્ત થાય, તે કરતાં તેને કાપી નાંખવાં સારાં. લૂલા, લંગડા અને કાણા થઈ