પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦

ઈશુ ખ્રિસ્ત

જીવન વિતાડવું ભલું, પણ સંસારમાં બે હાથ, બે પગ કે બે આંખો સલામત રાખી પછી નરકના અગ્નિમાં બળવું તે ખોટું!

નાનાં બાળકોને કદી દૂભવશો નહિ. પ્રભુના ફિરસ્તાઓનાં તે માનીતાં છે. એમને બચાવી લેવા માટે જ તો મારો અવતાર છે.

૫. ખરી પૂજા

જેમ ભરવાડ પોતાનાં ઘેટાં અને બકરાંને જુદાં પાડી, એક બાજુ ઘેટાં અને બીજી બાજુ બકરાં વચ્ચે ઊભે રહે, તેમ મનુષ્યોનો રાજા ભક્તોને અને અભક્તોને જુદા પાડશે, અને ભક્તોને જમણી બાજુએ બેસાડશે અને અભક્તોને ડાબી બાજુએ બેસાડશે.

પછી તે ભક્તોને કહેશે, 'આવો, મારા પ્રભુના વહાલાઓ, સ્વર્ગના ધામના તમે ભાગીદાર બનો. કારણ કે, જ્યારે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને જમાડ્યો હતો; અને તરસ્યો હતો, ત્યારે પાણી પાયું હતું; અને હું મુસાફરીમાં હતો, ત્યારે તમે મને ઘરમાં જગ્યા આપી હતી. વળી, તમે મને નવસ્ત્રો જોઈ, વસ્ત્ર આપ્યાં હતાં; માંદો હતો તથા બંદીખાને હતો, ત્યારે મારી બરદાસ લીધી હતી.'

ત્યારે ભક્તો આશ્ચર્યથી પૂછશે કે, 'હે દેવ, અમે ક્યારે તને તું ભૂખ્યો હતો ત્યારે ખવાડ્યું, અને તરસ્યો હતો ત્યારે પાણી પિવાડ્યું? વળી, ક્યારે અમે તને અજાણ્યો જાણી ઘરમાં લીધો, તથા નવસ્ત્રો જોઈ વસ્ત્રો આપ્યાં? વળી ક્યારે અમે તારી મંદવાડમાં અને બંદીખાનામાં સંભાળ લીધી?'

ત્યારે રાજા કહેશે કે, 'તમે મારી પ્રજાના નાનામાં નાના જીવને જે કર્યું હતું તે મને જ કર્યું હતું.'