પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧

રૂપકો

૬. દુષ્ટ ગણોતદારો

એક જમીનદારે[૧] દ્રાક્ષની [૨] મોટી મોટી વાડીઓ કરી, અને તેને ચારે બાજુએ વાડ ભરી. અને વચ્ચે એક દ્રાક્ષાસવનું કારખાનું પણ બાંધ્યું. પછી તે વાડીઓ તેને ગણોતે ખેડવા આપી, અને વિદેશ ચાલ્યો ગયો.

પછી જ્યારે દ્રાક્ષો તૈયાર થઈ, ત્યારે તેણે પોતાના નોકરોને [૩] માલ ભેગો કરવા મોકલ્યા. ત્યારે તે ગણોતિયાઓએ તે નોકરોમાંથી કોઇને માર્યા, કોઈનાં ખૂન કર્યાં, અને કોઈને અપંગ કર્યાં.

તે સાંભળી જમીનદારે વળી વધારે માણસો મોકલ્યા. પણ ખેડૂતોએ તેમનાયે તેવાજ હાલ કર્યાં.

આ જાણીને જમીનદારે પોતાના દીકરાને [૪]ને તપાસ કરવા મોકલ્યો. ત્યારે ખેડૂતોએ વિચાર્યું : 'હવે તો જમીનદારનો વારસ જ આવ્યો છે, ચાલો, આપણે એને મારી નાંખીએ, પછી બધી વાડી આપણી જ થઈ જશે.'

એમ ઠરાવી તેમણે એના દીકરાને શૂળી દીધી.

પછી એ જમીનદાર જાતે જ ગયો, તેણે એ ખેડૂતોને શું કર્યું હશે વારુ?

સાંભળનારા - એણે એમને આકરી સજાઓ કરી હશે, અને વાડીમાંથી તેમને કાઢી મૂકી સારા ખેડૂતોને સોંપી હશે.

ઈશુ - ત્યારે ઈશ્વર તેમના સંતોનું ન સાંભળનાર તેમને પીડનારની શી વલે કરશે તે વિચારી લો.


  1. ભગવાને
  2. દુનિયા
  3. સંતો અને પેગંબરો
  4. ખ્રિસ્ત