પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦

ઈશુ ખ્રિસ્ત

પણ જ્યારે તેમનેયે આનો જ મળ્યો ત્યારે તેઓ ફરિયાદ કરવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે, 'આ કેવો અન્યાય ! અમે આખો દિવસ તડકો વેઠી કામ કર્યું તેનું મહેનતાણું છેક છેલ્લી ઘડીએ આવનાર જેટલું જ !'

ત્યારે જમીનદારે તેમને કહ્યું 'ભાઈ, મેં તારું તો કશું ઓછું કર્યું નથી ને? મેં તારી જોડે એક આનાની જ બોલી કરી હતી ને? તારા હકનું લઈ તું તારો રસ્તો પકડ. હું તો આ છેલ્લાનેય તારા જેટલું જ આપીશ. મારા પૈસાનો મેને ઠીક લાગે તેમ ઉપયોગ કરવાનો મને હક નથી કે? હું ઉદાર થાઉં તેથી તારી આંખ શું કામ દુઃખે?'

આમ ઈશ્વરને ત્યાં છેલ્લો આવનારો પહેલો થાય છે. અને પહેલો પહોંચ્યો છેલ્લો થાય છે. કારણ, ઘણા આવે છે, પણ અનુગ્રહના અધિકારી થોડા જ હોય છે.

૫. આજ્ઞાધારક અને આજ્ઞાપાલક પુત્રો

એક માણસને બે દીકરા હતા. એક દિવસ તેણે બન્નેને બોલાવી કહ્યું, 'જાઓ, વાડીમાં જઈને કામ કરો.' પણ એક બોલ્યો, 'હું નહિ જાઉં.' પણ પછી તેને પશ્ચાતાપ થયો, અને તે જઈને કામે લાગ્યો. પણ બીજાએ કહ્યું, 'જેવી આજ્ઞા, પિતાજી.' પણ તે કામે ગયો નહિ.

આ બેમાંથી પિતાની આજ્ઞા કોણે પાળી કહેવાય? ના કહી, પણ પશ્ચાતાપ કરી કામે ગયો તેણે, કે હા કહ્યા છતાં ગયો નહિ તેણે?

આ રીતે જે સન્માર્ગે જવાની ના પાડે છતાં પશ્ચાતાપ કરીને જાય, અને જે સન્માર્ગે ચાલવા વચન આપ્યા છતાં જાય નહિ, તે બેમાં કોણ સાધુ ગણાય?