રૂપકો
એક જમીનદારે દ્રાક્ષની વાડી કરી હતી. જ્યારે દ્રાક્ષ તૈયાર થઈ ત્યારે તે સવારના પહોરમાં ચૌટામાં મજૂરોને તેડવા ગયો.
અને ત્યાં એને જે મજૂરો મળ્યા. તેમને એણે આનો રોજ ઠરાવી વાડી પર મોકલ્યા.
પછી ત્રીજે કલાકે (એટલે સૂર્યોદય પછી) તે પાછો ચૌટે ગયો. ત્યાં એણે ઘણા મજૂરો કામ મેળવવા બેઠેલા જોયા. તેણે એમને કહ્યું કે, 'તમે પણ વાડીએ જાઓ. જે વાજબી હશે તે તમને આપીશ'
પછી, વળી, છઠ્ઠે અને નવમે કલાકે તે ચૌટૅ ગયો, અને તે વખતે યે જે મજૂરો મળ્યા, તમને 'વાજબી હશે તે આપીશ' એમ કહી કામે મોકલ્યા.
પછી, વળી, અગિયારમે કલાકે તે ચૌટે ફરવા ગયો. તે વખતેયે ત્યાં એને ઘણા માણસોને આળસુ બેઠેલા જોઈ પૂછ્યું, 'તમે નકામા કેમ બેઠા છો?'
ત્યારે તે બોલ્યા, 'અમને આજે કામ મળ્યું નથી.'
ત્યારે તે બોલ્યો, 'જાઓ મારી વાડીએ જઈ કામ કરો, જે વાજબી હશે તે હું તમને આપીશ.'
પછી જ્યારે સાંજ પડી ત્યારે તેણે મહેતાજીને બોલાવીને કહ્યું, 'છેલ્લા આવેલા મજૂરથી શરૂ કરી, દરેકને તમે એક એક આનો ચૂકવો.' આમ છેક અગિયારમે કલાકે આવેલા મજૂરને પણ આનો આપ્યો. ત્યારે જેઓ પહેલા આવ્યા હતા, તેમણે માન્યું કે તેમને વધારે મજૂરી મળશે.