લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮

ઈશુ ખ્રિસ્ત


એક રાજાને ત્યાં ઘણા કારભારીઓ હતા. એક દિવસ રાજાએ તેમનો હિસાબ લીધો ત્યારે ખબર પડી કે, એક કારભારી પાસેથી રાજનું દશ બાર હજાર મહોરનું લેણું નીકળે છે. રાજાએ તેને તે ભરી દેવા હુકમ કર્યો. પણ તે ભરી શક્યો નહિ. ત્યારે રાજાએ તેનાં સ્ત્રી છોકરાંને બંદીખાને નાંખવા હુકમ કર્યો. ત્યારે તે કારભારી રડી પડ્યો, અને રાજાને ચરણે પડી કાલાવાલા કરવા લાગ્યો, અને નોકરી કરી વસૂલ કરી આપવા વચન આપ્યું. આથી રાજાને દયા આવી, અને તેણે માફી બક્ષી, અને ફરીથી કામે લીધો.

પછી એક વાર તે કારભારીને તેના એક વાણોતર પાસેથી સો રૂપિયાનું લેણું નીકળ્યું. કારભારીએ તે વસુલ કરવા તેને ફટકાવ્યો, તથા તેનું ગળું, ઝાલી ધમકાવ્યો કે, 'હમણાં ને હમણાં મારા પૈસા લાવી દે.' પણ પેલો નોકર તે આપી શકે તેમ નહોતું. તે પગે પડી આજીજી કરવા લાગ્યો કે, 'મને વખત આપો; હું નોકરી કરી બધું ભરી દઈશ.' પણ તે કારભારીને દયા આવી નહિ, અને તેણે તેને બંદીખાને મોકલ્યો.

રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેને બોલાવી મંગાવ્યો અને કહ્યું, 'અરે દુષ્ટ, તારા કાલાવાલા સાંભળી મેં તને તારું બધું દેવું માફ કરી દીધું, પણ તને તારા સાથી પર એક નજીવી રકમ માટેયે દયા ન આવી? તું દયાને પાત્ર નથી, માટે તારું દેવું તું ચુકતે ન કરે ત્યાં સુધી હું તને કોટવાલને હવાલે કરું છું.'

આમ, જો તમે તમારા ગુનેગારોને માફી ન આપો તો ભગવાન પણ તમારી પ્રત્યે તેમ જ વર્તશે.