પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


અને મહા દુઃખે ગુજરાન ચાલતું. ત્હેમના જ્યેષ્ઠ પુત્ર ઠાકુરદાસથી જનનીનું દુઃખ જોઈ શકાયું નહીં, તેથી ચૌદ પંદર વર્ષની બાળ વયમાં ઘર છોડીને એ નોકરીને શોધમાં કલકત્તા ગયા. કલકત્તા આવીને પહેલાંતો એ પોતાના એક સગા જગન્મોહન ન્યાયાલંકારને ઘેર ઉતર્યો. અંગ્રેજી ભણવાથી અંગ્રેજી સોદાગરોની પેઢીઓમાં નોકરી મળે છે, એમ ધારીને એ દરરોજ સ્હાંજે મોદીના એક કારકુન પાસે અંગ્રેજી શિખવા જતા. ભણીને ઘેર આવતા ત્ય્હારે ન્યાયાલંકાર મહાષાયને ઘેર વાળુ થઇ રહેતું. તેથી એમને ભુખ્યા સુઈજવું પડતું. પાછળથી ત્હેમના શિક્ષકના એક ભદ્ર જાતિના મિત્રે એમને પોતાને ત્યાં આશ્રય આપ્યો, એમને ત્ય્હાં ઠાકુરદાસ હાથે રાંધીને ખાવા લાગ્યા. પણા એમના આશ્રયદાતા પાસે જેટલી દયા હતી તેટલું ધન નહોતું. ત્હેની પોતાની દરિદ્રતાને લીધે ઠાકુરદાસને ત્ય્હાં પણ કોઈ વખત ઉપવાસ કરવો પડતો. એક દિવસ ભુખની ઝાળથી કંટાળીને એ પોતાની પીત્તળની થાળી અને ન્હાની લોટી કણસારાને ઘેર વેચવા ગયા હતા. કણસારાએ પાંચ આના કીંમત આંકી પણ ખરીદવાનું મંજૂર કર્યું નહીં. કારણ કે, જાણ્યા માણસ પાસેથી જુના વાસણ ખરીદવાથી કદાચ એ માલ ચોરીનો નીકળી આવેતો પંચાતમાં પડવું પડે છે.

બીજે એક દિવસે ભુખનું દુઃખ વિસારે પાડવાના ઇરાદાથી બપોરને વખતે ઠાકુરદાસ ઘેરથી નીકળીને રસ્તામાં આમતેમ આંટા મારવા લાગ્યા. બડા બજારથી ઠનઠનિયા સુધી આવતામાં તો એ ભૂખને લીધે એટલા બધા થાકી ગયા કે વધારે ચાલવાની શક્તિ રહી નહીં. થોડીવારમાં એ એક દુકાન આગળ જઇને ઉભા. ત્ય્હાં એક આધેડ વયની સ્ત્રી પૌઆ વેચતી હતી. ઠાકુરદાસને ઉભેલા જોઇને ત્હેણે પુછ્યું ‘બાબા ઠાકુર, કેમ ઉભા છો ?’ ઠાકુરદાસે તૃષ્ણાનો ઉલ્લેખ કરી પાણી પીવા માંગ્યું. ત્હેણે સ્નેહ પૂર્વક ઠાકુરદાસને બેસવા કહ્યું અને બ્રાહ્મણના છોકરાને એકલું પાણી આપવું શાસ્ત્રથી વિરુદ્ધ સમજીને ત્હેમને થોડા પૌંઆ પણ આપ્યા, ભુખ્યા ઠાકુરદાસતો ઝટઝટ પૌંઆ