પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ગામઠી નિશાળે બેસાડ્યા. ગામના બીજા મહેતાજીઓ કરતાં એ શિખવાડવાના કામમાં ઘણા હોશિયાર હતા, બાળકો ઉપર પુત્ર જેવો સ્નેહ રાખીને થોડા સમલમાં ઘણો અભ્યાસ કેવી રીતે કરાવવો એ ગુણ ગુરૂજી કલીકાન્તમાં સારો હતો. પાંચ વર્ષની ઉમરે ઇશ્વરચન્દ્ર એમની નિશાળે બેઠા ત્ય્હાર પછી એક વર્ષે એ ઘણા માંદા પડ્યા. લોકોએ એમના બચવાની આશા પણ મુકી દીધી હતી. આ વખતે એમના મામા આવીને એમને પોતાને ગામ લઈ ગયા. અને ત્ય્હાંના પ્રસિદ્ધ વૈદ્યરાજ પાસે ઈલાજ કરાવ્યો. છ મહિના પછી પૂરો આરામ થયો એટલે વીરસિંહ પાછા આવીને વિદ્યાભ્યાસ આરંભ કર્યો. આઠ વર્ષના થતા સુધી ત્હેમણે આ નિશાળમાં અભ્યાસ કર્યો. ત્હેમની ઊંડી સમજ, તીવ્રબુદ્ધિ અને શ્રમ જોઇને મહેતાજી ઘણાજ ખુશ થતા અને બીજા વિદ્યાર્થીઓ કરતાં એમના ઉપર વધારે સ્નેહ રાખતા.

આ આઠ વર્ષની વયમાં ઈશ્વરચન્દ્ર ઘણા તોફાની સાબીત થયા હતા, ગામના કોઈ પણ ધર આગળ જઈ મળમૂત્ર ત્યાગ કરી આવવાં એતો એમનું મુખ્ય કામ હતું. લોકો કપડાં સુકવતા ત્હેને લાકડાંના છોડીઆ વડે વિષ્ટા ચોપડી આવતા. અનાજના ખેતરમાં જઇને પોંખ તોડી આવતા. એક વખત, એવી રીતે જવનો પોંખ ખાતા ખાતાં ત્હેનું છોતરૂં ગળામાં ભરાઈ રહેવાથી ત્હેમણે ઘણી પીડા ભોગવી હતી.

બીજા પણ અનેક મહાનપુરષોના બાલ્ય કાળના તોફાનની વાત ઇતિહાસમાં આલેખાયલી છે. ભગવાન શ્રીકૃષ્ણ લીલા સમયે ગોપ ગોપીઓના ઘરમાં ધુસી જઈને દૂધ દહીંનાં હાંલ્લાં ફોડી આવતા હતા. શ્રી મહાપ્રભુ ચૈતન્ય બાલ્યકાળમાં ગંગાકિનારે જઈને બ્રાહ્મણોનું નૈવેદ્ય ખાઈ આવતા હતા અને પાશ્ચાત્ય વિદ્વાનોની બચપણની મસ્તીના એવા જ દાખલા મળી આવે છે. તેથી આપણા માબાપોએ એ ધ્યાનમાં રાખવું, કે બાળપણની નિર્દોષ ધીંગામસ્તી, આગળ ઉપર બાળકના આચરણ તથા સોબત ઉપર પૂરતું લક્ષ્ય આપવામાં આવે, તો ત્હેમની ભવિષ્યની મહત્તામાં કોઈ રીતે બાધાજનક થઈ પડતી નથી.