પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


નારાયણ તર્ક પંચાનન મહાશય કાંઈ કામ પ્રસંગે પંડિત તાણનાથતર્ક વાચસ્પતિને ત્ય્હાં ગયા હતા. ત્ય્હાં આગળ ઈશ્વરચન્દ્રને સાહિત્ય દર્પણ વાંચતા જોઈને એમણે અત્યંત આશ્ચર્ય પૂર્વક તર્ક વાચસ્પતિ મહાશયને પુછ્યું ‘’આટલો ન્હાનો છોકરો સાહિત્ય દર્પણમાં શું સ્હમજતો હશે.’ તર્કવાચસ્પતિએ કહ્યું ‘બાળક શું સ્હમજે છે એ જરા પુછીતો જુઓ. ’ તર્ક પંચાનન જયનારાયણે એમને કેટલાંક પ્રશ્ન પુછ્યા, તો જણાયું કે આ બાળકતો એક અસાધારણ પંડિત છે. આકારમાં ન્હાનો જ છે, પણ વિદ્યામાં તથા જ્ઞાન વિસ્તારમાં એણે સુવિસ્તૃત વડના ઝાડની પેઠે બહુ દૂર સુધી અધિકાર ફેલાવ્યો છે. ત્હેમણે પ્રીતી પૂર્વક તર્કવાચસ્પતિને કહ્યું ‘આ બાળક કોઈ કાળે આખા બંગાળ દેશમાં અદ્વિતીય પુરૂષ નીવડશે. આટલી ન્હાની વર્ષમાં સંસ્કૃત ભાષામાં આટલી બધી પ્રવીણતા મેં કદી જોઇ નથી.’ આ સાંભળીને તર્ક વાચસ્પતિ મહાશયે કહ્યું “હું આ બાળકને કૉલેજના મહા મૂલ્યવાન અલંકાર રૂ૫ ગણું છું.” ગુરૂજન તથા દેશના અગ્રગણ્ય પંડિતોને મુખેથી આવા પ્રશંસાના ઉદ્દેગારો સાંભળવાને ભાગ્યશાળી થનાર વિદ્યાર્થીનું જ જીવન સફળ છે.

એ વખતના કાયદા પ્રમાણે વિધાર્થીઓને અલંકાર, ન્યાય, અને વેદાન્ત ભણ્યા પછી સ્મૃતિ શાસ્ત્રનો અભ્યાસ કરવો પાતો. અને સ્મૃતિ શાસ્ત્રની પરીક્ષામાં પાસ થયા પછી ત્હેમને *[૧] ‘જજ પંડિત’ ની જગ્યા મળતી. ઈશ્વચંદ્રે અલંકાર શ્રેણીમાં ભણતી વખતે જ કૉલેજના

અધ્યક્ષને અરજી કરીને સ્મૃતિ શાસ્ત્રની પરીક્ષામાં બેસવાની પરવાનગી મેળવી લીધી.


  1. * અંગ્રેજી રાજ્યના પ્રારમ્ભમાં ન્યાયની કચેરીઓમાં અંગ્રેજ ન્યાયાધીશોની સાથે એક પંડિત અને એક મૌલવી બેસતા. હિંદુ અને મુસલમાનોના મુકદ્દમાઓનો ફેંસલો કરતી વખતે તેઓ પોતાના ધર્મશાસ્ત્ર મુજબ યુરોપિયન ન્યાયાધીશને સલાહ આપતા. એવા પંડિતો "જજપંડિત" કહેવાના, અને એ જગ્યા પ્રતિષ્ઠાવાળી ગણાતી.—લેખક.