પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


માતૃભક્ત વિદ્યાસાગર માતાની આજ્ઞા પાળવાને પોતાને અસમર્થ જોઈને ઘણા દુઃખી થયા. એ જાણતા હતા, કે મ્હારી મા મ્હારા ઉપર એટલો બધો સ્નેહ રાખે છે, કે લગ્નમાં મ્હને ગેરહાજીર જોઈને એને જરૂરદુઃખ થશે. હું શા માટે દેવી તુલ્ય માતાના દુઃખનું કારણ બનું ? એણે મ્હને આટલું બધું કષ્ટ વેઠીને મ્હોટો કર્યો અને હજુ પણ શું એને દુઃખ જ દેતો રહીશ! એવું કરવાને મ્હને કોણે લાચાર કર્યો ? નોકરી એ ? ? ધિક્કાર છે એવી નોકરીને ! ! આમ વિચારમાંને વિચારમાં વ્હાંણું વાઈ ગયું. પ્રાતઃકાળનું નિત્યકર્મ જલ્દીથી પતાવી દઈને ઈશ્વરચન્દ્ર કૉલેજના અધ્યક્ષ માર્શલ સાહેબ પાસે પહોંચ્યા અને ત્હેમને કહ્યું ‘સાહેબ, મ્હારે ઘેર જવું છે. માએ મને બોલાવ્યો છે. હવે હું અહિં એક ઘડી પણ રહી શકું એમ નથી. ૨જા આપો કાંતો આ રાજીનામું મંજુર કરો.’ માર્શલ શાહેબ આ બ્રાહ્મણ યુવકની માતૃભક્તિ જોઈને મુગ્ધ થઈ ગયા અને તરત જ ત્હેમને ઘેર જવાની રજા આપી. રજા મળતાં વારજ એ ગજવામાં થોડા રૂપિઆ લઇને સીધા ઘર તરફ ચાલ્યા. ત્હેમના ઘરનો રસ્તો કલકત્તેથી બે દ્વસનો હતો. એ વખતે ગાડી તો હતી નહીં. રસ્તામાં ચોર લુંટારાનો ઘણો ભય રહેતો હતો. પરન્તુ આપણા નિર્ભય ચિત્તના મહાત્મા એ બધી અડચણોની જરાપણ પરવા કર્યા વગર ઘર તરફ ચાલ્યા. એ વખતે વરસાદની મોસમ હતી. રસ્તો ઘણોજ ખરાબ થઈ ગયો હતો. પણ વિદ્યાસાગર તો ધુનમાં ને ધુનમાં ચાલ્યાજ ગયા. વચમાં એક રાત વિસામો ખાઇને પાછું ચાલવા માંડ્યું. ચાલતા ચાલતાં મધ્યાહ્ન સમયે એક નદીના કિનારે આવી ઉભા રહ્યા. ચોમાસું હોવાથી દામોદમેર નદીમાં પુષ્કળ પુર આવ્યું હતું. તરંગનો વેગ એટલો બધો હતો કે અંદર લાકડું નાંખો તો આંખના પલકારામાં એના કકડે કકડા થઈ જાય, ટુંકામાં, ચોમાસામાં મ્હોટી નદીઓની જેવી અવસ્થા થાય છે તેવીજ અવસ્થા આ નદીની હતી. હવે શું કરવું? પાર ઉતરવાને માટે વહાણ તૈયાર નહોતું અને એજ દિવસે ઘેરથી ભાઇની જાન નીકળવાની હતી. ઘેર પહોંચવું બહુ જરૂરનું હતું.