પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૭
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ઉપર ઈ.સ. ૧૮૫૧માં રૂ. ૧૫૦ ના મહિને વિદ્યાસાગરની નીમણુક થઇ.

આ પદ ઉપર નીમાતાંજ એમણે પોતાની સઘળી વિદ્યા અને બુદ્ધિ કૉલેજની ઉન્નતિ કરવામાં કામે લગાડ્યાં. કૉલેજના પુસ્તકાલયમાં ઘણાં પ્રાચીન હસ્ત લિખિત પુસ્તકો પડ્યાં પડ્યાં ઉધાઈ ખાતાં હતાં. વિદ્યાસાગરે એ પુસ્તકો છપાવી દીધાં. એ સમયે સંસ્કૃત કૉલેજમાં કોઈ વિદ્યાર્થીને ફી આપવી પડતી નહોતી. એજ્યુકેશનલ કાઉન્સિલ – શિક્ષણ સમિતિને સૂચના કરીને એમણે એવો કાયદ્ ઘડાવ્યો કે સમર્થ વિદ્યાર્થીઓએ ફી આપવી પડશે. આને માટે ઘણાઓએ કટાક્ષ પણ કર્યા. અને દેખીતી રીત્યે એ ટીકા વ્યાજબી પણ હતી. પણ વિદ્યાસાગરના ઘાડા સંબંધમાં આવનાર, ત્હેમના ઉદ્દેશો વધારે સારી રીત્યે જાણનાર ત્હેમના ચરિત્ર લેખક કહે છે, કે એ બુદ્ધિમાન દૂર અંદેશ મહાત્મા જાણતા કે બેન્ટિક, મેટકાફ, ડેવિડ હેર અને બેથ્યૂન જેવા પરોપકારી અંગ્રેજો હવે ભારતવર્ષમાં નહીં આવે. એ વખતે જો બિલકૂલ ફી નહીં હોયતો અમલદારો હાલના કરતાં બમણી ફી નાંખશે. માટે પહેલીજ થી ફી દખલ કરીને એમણે એ ભવિષ્યની વિપત્તિનો ભાર ઓછો કર્યો. ગરીબ છોકરાઓતો આજ પણ સંસ્કૃત કૉલેજમાં વગર ફીએ શિક્ષણ મેળવે છે.

વાંચકોને ઉપર જણાવવામાં આવ્યું છે, કે વિદ્યાસાગર સંસ્કૃત શિક્ષણની ઉન્નતિનો હમેશાં વિચાર કર્યા કરતા હતા. ત્હેમને લાગ્યું, કે વ્યાકરણ ભણ્યા વગર સંસ્કૃત કાવ્યમાં મજાહ પડતી નથી. ઘણા લોકો સંસ્કૃત કાવ્ય ભણવાની ઈચ્છા હોવા છતાં પણ વ્યાકરણની એ ભયાનક મૂર્તિ જોઈને ડરી જાય છે, અને કાવ્યનો રસ ચાખતા નથી. એટલા માટે એ લોકોની સુગમતા સારૂ એમણે બંગાળી ભાષામાં સંસ્કૃત વ્યાકરણની ઉપક્રમણિકા લખી. આ પુસ્તક કેટલાક પ્રાન્તોની નિશાળોમાં શિખવાય છે. આ ઉપરાંત પંચતંત્ર રામાયણ, હિતોપદેશ મહાભારત વગેરે સ્હેલા સંસ્કૃત ગ્રન્થોમાંથી સંગ્રહ કરીને ત્હેમણે “ઋજુ–પાઠ” નામની ત્રણ ચોપડીઓ રચી, એ પુસ્તકો આજ સૂધી બંગાળા