પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


સોડ્યમાં સ્થાન મેળવવાની આશા જેમ સ્ત્રીને માટે વાંછનીય છે તેમ પત્નીની સોડ્યમાં સ્થાન મેળવવાની ઇચ્છા શું પતિઓને માટે સ્વાભાવિક નથી. ? સ્ત્રીઓને માટે આવો સખ્ત નિયમ હોવા છતાં પણ પુરુષોને માટે અનેક સ્ત્રી પરણવાનું શાસ્ત્ર સંમત ગણાય એ શું અસંગત નથી ? આવી અસંગતતાના પક્ષપાતી બન્યા રહેવું એ મનુષ્યધર્મની અપૂર્ણતા નથી સૂચવતું ? આવા આવા અનેક વિચારોથી, રાજા રામ મોહનરાયની હિલચાલને અનુમતિ આપીને ભલા બેન્ટિક સાહેબે મહા મહેનતે ભારત લલનાઓને જીવતી ચિતામાંથીતો છોડવી, પણ એથી શું એમના સંકટનો અન્ત આવ્યો ? ના, એમની સ્થિતિતો ચુલામાંથી નીકળીને હોલામાં પડ્યા જેવી થઈ ગઈ. સતીદાહને બદલે જીંદગી પર્યંત કઠણ બ્રહ્મચર્ય વ્રત પાળવાનો નિયમ વિધવાઓને માટે ફરજીયાત થયો. આ વૈધવ્યનો અગ્નિ ચિતાના અગ્નિ કરતાં પણ ખરાબ હતો. ચિતાનો અગ્નિતો દેહને ભસ્મ કરી નાંખતો હતો, પણ આ વૈધવ્યનો અગ્નિતો હૃદયને બાળીને ખાક કરવા લાગ્યો. બાળ વિધવાઓને માટે આના કરતાં વધારે દુઃખ બીજું કયું છે. ? ઘ૨માં સગાં વ્હાલાંની તરફ દષ્ટિપાત કરે છે તો જુએ છે કે પાકી વયની સૌભાગ્યવતી સ્ત્રીઓ બધી જાતનાં સુખ વૈભવ ભોગવી રહી છે, ત્ય્હારે નાદાન કુમળી વયની બાળકીઓ સન્યાસિનીને વેશે ઊંડા દુ:ખ સાગરમાં ડુબેલી છે. ત્હેના મુખ ઉપર વિષાદની એક છાયા છવાઈ રહી છે. પિતા બાળ વયમાં વૈધવ્યને પામેલી પોતાની કન્યાને જીંદગી પર્યન્ત બ્રહ્મચર્ય પાળવાનો આદેશ કરે છે, પણ પોતે ધોળાવાળ સાથે પણ બીજી, ત્રીજી ચોથીવાર કોઈ બાળ કન્યા સાથે લગ્ન કરીને, પરમ સુખમાં દિવસ ગાળે છે, કોમળ હૃદયની કન્યાઓ અને બ્હેનોને કઠોર બ્રહ્મચર્યનું શિક્ષણ આપવાનો શો આ રસ્તો છે ?

વિદ્યાસાગર મહાશય જે સમયે કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે સમથથીજ વિધવાઓની દુર્દશા તરફ ત્હેમનું ધ્યાન ખેંચાયું હતું. પોતાના ગુરૂ સંભુચન્દ્ર મહાશયની બાલ પત્નીની વૈધવ્ય દશાથી દુઃખી થઈને,