પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

સંબંધમાં રીતસર પ્રયત્ન કર, મ્હને કાંઈ વાંધો નથી. પિતાજીની આજ્ઞા મળ્યાથી વિદ્યાસાગર હરખાતા હરખાતા માતાજી પાસે ગયા અને ત્હેમને પૂછ્યું. “મા, શાસ્ત્ર શાસ્ત્ર તો તું કાંઈ સ્હમજતી નથી. મ્હેં આ વિધવા વિવાહ સબંધી પુસ્તક લખ્યું છે. પણ ત્હારી રજા વગર મ્હારાથી એ છપાવી શકાય નહીં, શાસ્ત્રમાં વિધવા વિવાહની વિધિ છે.” સરળતાની સૌમ્ય મૂર્તિ રૂપ, ઉન્નત વિચારની અને ઉદાર હૃદયની ભગવતી દેવીએ તરતજ ઉત્તર આપ્યો ‘કાંઈ અડચણ નથી, લોકોની આંખોમાં શૂલ રૂપ, મંગળ કામમાં અમંગાના ચિહ્ન રૂપ, ઘરની બલા ગણાઈ ને રાત દિવસ આંસુનો વરસાદ વરસાવીને જે સ્ત્રીઓ જીંદગી ગાળે છે, ત્હેમનો સંસાર સુખી કરવાનો ઉપાય કરીશ તો તેમાં મ્હારી પૂરી સંમતિ છે. પણ તું એમને (પિતાને) કાંઈ કહીશ નહીં. વિદ્યાસાગરે પૂછ્યું ‘શા માટે ના કહું?’ માતાએ કહ્યું ‘એમ કર્યાથી એમને અડચણ પડશે. કારણ કે તું વિધવા વિવાહના કામમાં પડે તો એમને ઘણી રીત્યે નુક્સાન થયાનો સંભવ છે’ વિદ્યાસાગરે કહ્યું ‘પિતાજીએ તો ક્ય્હારનીએ આજ્ઞા આપી છે.’ કરૂણામયી ભગવતી દેવીનો ઉત્સાહ આ સાંભળીને દસ ગણો વધી ગયો અને ત્હેમણે કહ્યું ‘સારૂં બેશ થયું, હવે બીજી શી જ છે?’ માતા પિતા તરફ વિદ્યાસાગરની ભક્તિ કેવી ઉત્તમ પ્રકારની હતી ત્હેનું આ એક શ્રેષ્ટ ઉદાહરણ છે, ત્હેમનું આ વર્તન જેમ ઉછરતા યુવાન સુધારકોને માટે અનુકરણીય છે, તેમજ સુધારાવાળા માત્ર ઉદ્ધત, ઉચ્છૃંખલ તથા મુરબીઓને માટે પૂજ્યભાવ નહીં ધરાવનારા હોય છે, એવો મિથ્યા આરોપ કરનારાઓનાં મ્હોં બંધ કરનારૂં છે.

ઈ. સ. ૧૮૫૩ માં વિધવા વિવાહનું પુસ્તક પ્રગટ થતાં વારજ, શાન્ત સમુદ્રમાં તોફાન આવે તેમ આખા બંગાળામાં ખળળાટ મચી ગયો, ઘેરઘેર એ વાત ચર્ચાવા લાગી. જ્ય્હાં જાઓ ત્ય્હાં વિદ્યાસાગરનું નામજ સાંભળવામાં આવતું, ઘણાઓએ ત્હેમની દલિલોના ખંડનરૂપે ચોપડીઓ લખી અને ત્હેમાં એમને ખૂબ ગાળો