પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

આગ્રહ કર્યો પણ એ એવી સલાહને હસી કહાડતા. પોતાને માથે લાખો શત્રુઓ છે અને તેઓ પોતાને હરેક પ્રકારે હાનિ પહોંચાડવા યત્ન કરે છે એ જાણવા છતાં પણ આ બ્રાહ્મણ કુમારે કહ્યું કે “મ્હારૂં વ્રત ચિતામાં ભસ્મની સાથે જ સમાપ્ત થશે” એ પ્રતિજ્ઞા ત્હેમણે પોતાના કાર્યથી સિદ્ધ કરી આપી.

વાક્ય વીરો ! આ મહાત્માની તરફ જરાક ધ્યાન આપો અને જુઓ કે ખરી પ્રતિજ્ઞા શાને કહે છે. પોતાના કુટુંબ અને જનસમાજના લોકોથી બ્હી જઈને આત્માની વિરુદ્ધ આચરણ કરનારા અને પોતાના સિદ્ધાન્ત ઉપર પાણી ફેરવનારા આપણામાંથી હજારો નીકળશે. તેઓ પણ વિદ્યાસાગરની પેઠે પોતાના આત્માને દૃઢ બનાવે તો કોણ એમનો વાળ વાંકો કરી શકે એમ છે ? વિદ્યાસાગરના શત્રુઓએ ત્હેમને મારી નાખવાની ધમકી આપી પણ આધ્યાત્મિક બળથી ઉત્સાહિત થયેલા વિદ્યાસાગરને કોઈપણ વિધ્ન પહોંચાડી શક્યું નહીં. વાંચકો ! સાધારણ મનુષ્યોનો એવો ભય નિર્મૂળ છે જ્હેના આત્મા ઉપર સત્યતા આરૂઢ છે તેને કોઈ શું કરી શકે એમ છે ? મહાન્ પુરુષ અને સાધારણ પામર મનુષ્યોમાં એ જ ભેદ છે કે મહાન્ પુરુષો સત્યની આગળ પ્રાણની પણ દરકાર કરતા નથી પણ બીજા સાધારણ લોકો જરાપણ આવતા પોતાના સિદ્ધાન્તથી હજાર ગાઉ દૂર ન્હાસે છે આ વિધવા વિવાહના કાર્યમાં હાથ ઘાલતી વખતે વિદ્યાસાગરને સહાયતા આપવાનું અનેક લોકોએ વચન આપ્યું હતું પણ જ્ય્હારે કામ પડ્યું ત્યારે ઘણા ખરા એ તો રસ્તો પકડ્યો. ઉત્સાહી દેશભક્ત રાજનારાયણ બસુ તથા વિશ્વવિખ્યાત વક્તા સ્વદેશ પ્રેમી સુરેન્દ્રનાથ બેનરજીના પિતા સ્વર્ગસ્થ દુર્ગાચરણ બેનરજી તથા બે ચાર બીજા બંગાળી ગૃહસ્થો કેવળ તેમની પડખે ઊભા રહ્યા આ વિધવા વિવાહોમાં હજારો રૂપિયાનું ખર્ચ થતું ત્હેનો ઘણો ભાગ વિદ્યાસાગરને આપવો પડતો હતો. ધીમે ધીમે પૈસાની તંગી પડતી ગઈ. વળી એ જ અરસામાં ૧૮૫૭નો સિપાહીનો બળવો જાગ્યા થી દુશ્મનો એ એવી