પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





આંસુની મહેફિલ

શા સારુ તમે મારી જાળીમાંથી પાનની પિચકારીઓ થૂંકો છો ?

તમે જેલ-ઑફિસના કારકુનો અને હું જેલ-ઑફિસની બારી, એટલે શું તમે મને નિર્લજ્જ ધારી લીધી? હું નિષ્પ્રાણ છું. લોઢા-લાકડાની બનેલી છું, અનેક ચોર-ડાકુઓની આંસુધારે ધોવાઈને દયાહીન બની ગઈ છું, મારપીટ, ગડદાપાટુ અને ગાળાગાળીની સાક્ષી છું, એટલે શું હું સ્ત્રી જાતિની મટી ગઈ છું, વીરા મારા ?

તમે પાન ચાવીને મુખ રાતાં કરી-કરી ઘેરથી દમામભેર ચાલ્યા આવો છો. એટલે શું એમ માનો છો કે તમારી હોજરીના ભડકા હું નથી જાણતી ? જાણું છું, બધુંય જાણું છું. આ કાળમુખા સત્યાગ્રહે તમારું કામ દસગણું વધારી દીધું છે. પણ સરકાર કંઈ દિવસના પચીસ કલાકો થોડી કરી શકે છે? – તમારાં સ્ત્રી-બાળકો માંદાં મરે છે તેને માટે દવા લઈ આવવાનીય તમને વેળા નથી : તમારી રસોઈ કરનાર કોઈ નથી; તમે ચા પીને પેટના ખાડા પૂરો છો; ઉપર અક્કેક પાનપટ્ટી ચાવો છો; પીળી પડેલી આંખો ઘુરકાવી-ઘુરકાવીને તમે એ ટોળે ટોળે આવતા ગુનેગારો ઉપર રાતાચોળ ચહેરા કરો છો; તમે અંદર અંદર કામની મારામારી ને ગાળાગાળી ચલાવો છો; એ બધું શું હું નથી ભાળતી ? તમે પુરષો થઈને આવા કાયર; ત્યારે હું નારી છતાં કેટલું સહું છું!

હા–હા–હા–હા !

તમે મારા હસવાના ખડખડાટ નહિ સાંભળતા હો, ખરું? લોઢાના. સળિયા મારા કાળા-કાળા દાંત છે. હું તો ડાકિની છું. હું તો તમને જૂઠુંજૂઠું કહેતી હતી. મારે વળી લાગણી કેવી? જાડીજાડી દીવાલ : એમાં જકડેલું


આંસુની મહેફિલ
3