પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 આલેખતો, કાગળને છેડે સહી કરવાને બદલે બે આંખો ચીતરતો, અને આંખોના ખૂણામાં અક્કેક આંસુનું ટીપું બતાવવા કોશિશ કરતો.

"જેમલા !” એણે પોતાના નવા તૈયાર થયેલા પત્રને છેડે આ રીતે ચીતરેલી આંખો જેમલાને બતાવી: “આ કેવું લાગે છે ?”

જેમલો જોઈ રહ્યો. એણે કહ્યું: “મારી વોડકીની આંખ્યો બરાબર આવી જ છે. મારા વન્યા એણે આવાં જ આંસુ પાડ્યાં હશે !”

રાજકેદી ભાઈના મનમાં આ વાતથી ખૂબ રસક્ષતિ થઈ. એણે પંદર પાનાંનો પત્ર બીડી દીધો. પછી એણે પોતાની ‘ડોલર’ નામની પુત્રી પર લખેલું ગીત જેમલાને સંભાળવવાની ઇચ્છા છોડી દીધી. બીજા કોઈ સાથી પાસે વાંચવામાં એને શરમ આવે છે. પોતાનું એ સર્જન કોઈને બતાવ્યા વગર તો એને જંપ નથી. જેમલાને તો કેદીભાઈની ડોલર અને પોતાની વોડકી વચ્ચે કશો ભેદ જ સમજાતો નથી. હાય ! કેવી વિધિવક્રતા ! જેમલાએ એ કાવ્યભરી બે અશ્રુમય આંખોના ચિત્રને એની વોડકીની સ્મૃતિ સાથે જોડ્યું !

પોતાની રોજનીશીમાં જેમલાની ‘વોડકી’ વિશે કંઈક ભાવનાભર્યું લખવા આજે રાજકેદી ભાઈએ ઘણી મહેનત કરી. પણ લખવા બેસતાં જ એની આંખો સામે દીકરી ડોલર તરવરી રહેતી. ડોલર સિવાય બીજા કોઈ વિષય પર એમની ઊર્મિઓ ફૂટતી નથી. મુલાકાતે આવેલી ડોલરને દરવાજા પરના પહેરેગીરો ગેલ કરાવે છે, જેલરની બદામડી ઉપરથી પાકેલી બદામો આણીને ડોલરનું ગજવું ભરે છે, તે દેખીને જેમલો કેદી તાકી રહે છે. પંખો ખેંચતાં એના હાથની દોરી ઢીલી પડે છે, કેમ કે જેમલો એને ખેતરે રાતવાસો જતો ત્યારે બાવળી કૂતરી સાથે આવતી; એ બાવળીને એક વાર સાત-નારીએ (સાત વરુઓના ટોળાએ) ચૂંથી હતી; એનાં કુરકુરિયાં પોતે પકડાયો તે વેળા પંદર જ દા’ડાનાં થયેલાં. કુરકુરિયાંની આંખો તાજેતર જ ઊઘડેલી. એ કુરકરિયાં અત્યારે એને યાદ આવે છે. શિયાળાની ઊઘડતી તડકીમાં જેમલો અમાસના અગતાને દા’ડે એ કુરકુરિયાંને થાબડતો-થાબડતો કહેતો હતો: “ઝટ મોટાં થઈ જાવ: પછે આપણે માનું વેર લેવું છે. સાત-નારીને સામટી ચૂંથી નાખવી છે. તમે ઝટ મોટાં થાવ. હું તમને કાળા ભરવાડના


120
જેલ ઓફિસની બારી