પૃષ્ઠ:Jail-Officeni.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કુતુહલવૃત્તિ કરતાં, થાંભલા ઉપર ચડીચડી ફાંસીઓ નીરખવાની નિઃશ્વાસઢાંકી ગલીપચી કરતા જેલવાળાઓને બે-પાંચ ક્ષણોનો ગમગીન વર્તાવ વધુ કરુણામય છે. આઠ વાગ્યે ફાંસી આપીને બાર વાગ્યે જમવા બેસનાર એ જેલવાળાઓ પાસે પોતાની રોજનીશી લખવાને ભાષા નથી. ને ભાષા વિનાની લાગણી ક્યાં જઈ પોતાનું રૂપ દેખાડે ?

આજે તો તમે જાઓ છો, રાજકેદી ભાઈ ફૂલમાળા પહેરીને મોટરો તમને તેડવા આવી છે. પા-અર્ધા કલાકની સબૂરી તો રાખો, ભાઈ ! હમણાં જ તોગાજી સિપાહી દરવાજો ઉઘાડીને તમારાં વહાલાં સગાંઓને દાખલ કરશે. પણ આજ તમારું હૃદય સબૂરીને માનશે નહિ. તમે મારી પાંસળીઓની આરપાર જાણે શારડી ચલાવી રહ્યા હો એવી એ તમારી નજર મને આજ લાગે છે. તમારી આંખોનાં મિલન, હાસ્યના સામસામા પરસ્પર કલેજાંના થડકાર. એ બધાં જ મારા પિંજરને આજ પ્રભાતે શૂળોની માફક વધી રહેલ છે. તમારી પત્નીની હથેળીમાં હથેળી મૂકી તમે મોટરમાં બેસો છો ત્યારે ઈર્ષાથી મારું અંતર ભડકે બળે છે. આ જેમલો કેદી અને આ બહાર-પાટીમાં જતી આખી ફેલ તમારા ઉપ૨ કંપી રહી છે. બે ક્ષણોની પણ સબરી ન રાખી શક્યા, ભાઈ ?

અને તમારી પત્નીના કપાળ પરનો એ લાલ-લાલ ચાંદલો ! મારા માટે એ કેમ કંકુ ન લાવ્યાં ? મારા નસીબે શું કારકુનોનાં મોઢાંની પાન-પિચકારી જ રહી ? હી-હી-હી !

ઓ તોગાજીભાઈ ડંકા બજાવો. દોરી ખેંચવા મંડો. ફાંસીના ડંકા બજાવો. આજે બાર ટકોરે અટકવું નથી. રાજકેદી ભાઈને પ્રિય હતા તે કાળ-ઘંટા એની વિદાયઘડીએ વગાડી લ્યો. આપણી પાસે બીજું કોઈ વાદ્ય નથી, ને છેલ્લી વિદાય આપવા સિવાય આપણે માટે કોઈ બીજો ઉત્સવ નથી. દરવાજાના ઊંચા મિનારા જેટલું પ્રચંડ આપણું ઇસરાજ એક જ જાડી રસીના તારનું બનેલું છે. તોગાજીભાઈ ! એ ઈસરાજને આજે પુરબહારમાં બજાવો.

નથી કાં બજાવતા ? તમે ડરો છો ? રાજકેદી ભાઈનું અમંગલ બની જશે શું ? તમે અચકાતા હો તો લાવો રસી મારા હાથમાં. મારે રાજકેદી


જેમલાનો કાગળ
123