પૃષ્ઠ:Jail-Officeni.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને અતલ કોઈ ખાડો જાણે પડ્યો છે. તારા અંતરની વ્યથા સર્વથી અજાણી છે. તમામ કેદીઓ અને વૉર્ડરો તને ‘ગુરુ’ કહી માન આપે છે. તારી તો આખું કારાગૃહ અદબ પાળે છે. તું અહીં આવે છે ત્યારે હું ડાકણી પણ મારાં ઉઘાડાં અંગો સંકોડવા મથું છું. ફૂટતી જુવાની લઈને તું અહીં આવ્યો હતો, અને આજ તને બુઢાપાનાં પળિયાં ફૂટવા લાગ્યાં. દલબહાદુર ! તારા જીવનની નીરસતા કોણ સમજશે ? તું વણાટશાળાની સાળો ઉપર ગાલીચા અને ચાદરોની અંદર એ કયા ગામની, કયા નદીતીરની ફૂલવાડીઓ પાડી રહ્યો છે? પંજાબના કયા ગામને પાદર ટૌકતો મોરલો તેં આ ગાલીચાઓમાં ગૂંથ્યો છે?

સાળને ફટકે ફટકે શું તું કોઈ શીખ તરુણીનું આરાધન કરી રહ્યો છે? મા સાથે એને કંઈક સંદેશો તો કહેવડાવ ! તેં તારું પ્રેમ-રાજ્ય જાણે કે આ વણાટની જૂજવી ભાત્યોમાં આલેખ્યું છે. આ સરકારી જેલખાતું રોજેરોજ થપ્પીઓની થપ્પીઓ બાંધીને તારા વણાટની વસ્તુઓ વેચવા મોકલે છે, પણ નથી તો તેને ખબર, કે નથી એ ગાલીચા-શેતરંજીઓ પોતાનાં ઘરોમાં પાથરનારાઓને ખબર કે એના પગ તળે તો એક પંજાબીનાં વીસ વર્ષનાં અશ્રુભર્યા સ્વપ્નો છૂંદાઈ રહેલ છે.

દલબહાદુર પંજાબી ! તું તારા વણાટની અંદર ગૂંથી રહેલ છે તે ફૂલોનો નમૂનો તારી કલ્પના ક્યાંથી ચોરી લાવી ? તારો મુકદ્દમો સાંભળવા એ અનામી સુંદરી આવતી હતી ત્યારે શું કોઈ એવું ગુલાબ લઈને આવતી? તને અર્પણ કરવા એ જ્યારે આગળ ધસી આવી ત્યારે પોલીસે શું એને ધક્કો મારેલો ? ને તે પછી રોજરોજ અદાલતમાં શું એ તારી સન્મુખ આ ફૂલ ધરી રાખીને છાની બેસી રહેતી? તેની સ્મૃતિમાંથી શું તું આ પાંખડીઓ ને આ ડાંખળીઓ આંહીં ઉતારી રહ્યો છે?

એક હતું: એક તારા જ જેવું બંદીવાન, આઘેઆઘેના દેશમાં. ત્યાં તો મારા જેવી કોઈ બારી જ નહોતી. મેળાપ કે મુલાકાતો જ નહોતાં. બરફ અને પવનના ઠંડાગાર અગ્નિમાં સળગતાં, જીવતાં માનવીને થિજાવી નાખતાં એ સાઈબીરિયા દેશનાં કારાગૃહો હતાં. આઠ-દસ મહિનાની પગરસ્તાની મજલ


દલબહાદુર પંજાબી
27