પૃષ્ઠ:Jail-Officeni.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ટકોરાની સંકેત-ભાષા વાપરીને જેમ એણે પોતાનું પ્રણયસુખ માણી લીધું, તેમ આ ફૂલરોપને ઉગાડવામાં એણે પોતાના જનની બનવાના કોડ પૂરા કરી લીધા. જીવતા તો હવે પાછા બહાર જવાનું જ નથી એ માન્યતાએ એના જીવને ટટળતો બચાવી લઈ નવા કેદી-અવતારની જોડે એકરસ થઈ જવા દીધો. પચીસ વર્ષની કેદ ભોગવ્યા પછી એને જ્યારે એકાએક છોડવામાં આવી ત્યારે તો એ ડોશી બની ગઈ હતી, પણ એ ભાંગી નહોતી પડી. નવી મુક્તિનો એને ખાસ કશો આનંદ નહોતો રહ્યો. બહાર આવીને એ ઘણું જીવી, કેમ કે જીવનના પાયામાં એણે સાઈબીરિયાનાં કષ્ટોનું સીસું પૂરી લીધું હતું.

એમ તેં પણ, ભાઈ દલબહાદુર! જીવતી માતાના બારમાસી મૂંગા મેળાપના એક જ તાંતણાને બાદ કરતાં કારાવાસના નવજન્મને તારા જીવનમાં વણી લીધો છે. મા જે દિવસ મરશે તે દિવસ તારી જિંદગીમાંથી છેલ્લો ધરતીકમ્પ નીકળી જશે. આ કેદખાનું તારું ખરું વતન બનશે ને અમે તારાં સાચાં ભાડું બની જશું. કમબખ્તી તો છે આ મુલાકાતો માટે ઘેલા, વલવલતા ફરતા સાતવારિયાઓની ! જીવતા છતાં એ બધા વાસનાદેહી પ્રેતો સમાન જ છે.

પણ હવે જતાં જતાં તો તું જરી રડી પડ, ભાઈ દલબહાદુર! બડો પાજી નીકળ્યો આ પંજાબી: બડો કઠોર ! પાકો નઘરોળ! માનો મેળાપ આટલે મહિને થયો, ને હવે, બીજા બાર મહિનાનો ગાળો એ ડોશી કાઢે તેમ લાગતું નથી, તે છતાં આ કેદવાસી દીકરાએ એક આંસુ સાર્યું નહિ. એના વેરાન સરીખા ચહેરા ઉપર કરુણતાની કોઈ નાની તળાવડી પણ. ઝબકી નહિ. બસ, થાકીને પછી ઊભો થઈ ગયો. માતાનું કલેજું જરીકે ઓગળે એવી કશી જ વિદાયવિધિ કર્યા વિના ખંભે રૂમાલ નાખીને એ તો દરવાજાની બારી પછવાડે અદૃશ્ય બન્યો. અને ડોશી પણ કંઈ કમ નિષ્ઠુર નીકળી ! દીકરો જીવનભર માટે અહીં જીવતો દટાયો છે તે છતાં એના મોં ઉપર કે પીઠ ઉપર ડોશીએ હાથ સરખોયે ફેરવ્યો નહિ.


દલબહાદુર પંજાબી
31