પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દુલ્લારામ પોતાની સજાના ત્રીસે ત્રીસ ફટકા સભાન રહીને ઝીલશે એટલું જ નહિ પણ પ્રત્યેક ટકે એ ‘રામ ! રામ ! રામ !’ એવા ઉચ્ચાર કરશે. પછી બાપડા લાલિયાનો તો વકર જ નીકળી જશે ને ? પણ ભાઈ લાલિયા, ફિકર નહિ. ‘ઓય બાપ’ અને ‘ઓય મા !’ની નામર્દ ચીસો પાડનારા ઘણા આંહીં પડ્યા છે. આ ઘોડી અને નેતરવાળા મરાઠા મુકાદમના દીદાર માત્ર થતાં જ ભેંકડો મૂકી જેલ-સુપરિન્ટેન્ડેન્ટ સાહેબનાં ચરણોમાં ખોબીખોબો આંસુ ઠલવનારા, માફી માગનારા, મોંમાં જોડો લેનારા પણ ઘણા પડ્યા છે. એ તમામના કરતાં તારી પાયરી ચડિયાતી રહેશે. તું રંજ કરીશ ના, વીર લાલિયા ! અને તમે ત્રણેય જણા ફરી કદી ગંધારી ભાજી ન ખાવાની હઠ પકડીને સહુને ઉશ્કેરી બેસતા નહિ.

પણ હું તો ભારી ઉતાવળી બની ગઈ. ફટકાની સજાનું પ્રભાત ફૂટવાને હજુ વીસ કલાકની વાર છે, ત્યાં તો મને એ વાતનો કોઈ ગજબ ચરસ લાગી ગયો. મારી કલ્પનાની દુનિયામાં તો મેં ધરાઈ-ધરાઈને આ લોહીની તેમ જ માંસના લોચાની મહેફિલ માણી લીધી.

શું કરું? હું તો કાંઈ ફટકા મારવાની ત્રિપગી ઘોડી કે નેતરની સોટી નથી થઈ શકવાની. હું તો રહી જેલ-ઑફિસની બારી. મારે મૂઈને પરાયાંનાં આવા સૌભાગ્ય ભાળીભાળી છાનાંછાનાં જલવાનું જ રહ્યું. પછી હું કલ્પનામાં એ મજા ન ઉડાવું તો કરું શું ?

પણ આવે અવસરે હું જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ મને આ જેલરો અને સુપરિન્ટેન્ડેન્ટો ભારી દુત્તા, પક્કા, પાજી ને ખંધા લાગે છે. શા માટે તેઓ પોતે કદી પણ સોટી પકડીને ફટકાની સજા સ્વહસ્તે નથી કરતા ? પેલા મરાઠા મુકાદમને થોડીક માફીની લાલચ આપીને તમે આ કામગીરી કરાવો છો, સાહેબ. પણ ચાલોને હું તમને ‘આઈ. જી. પી.’ બનાવવાનું વચન આપું – એક વાર તો આ લાલિયાને આપ જાતે ઊઠીને ત્રીસ ફટકા લગાવો !

નહિ થઈ શકે તમારાથી. તમે તમારા ચહેરા પર ચાહે તેટલી કરડાકી ધારણ કરો, કાગળ પર ફટકાની સજા છો લખો, પણ તમારા જિગરમાં એ તાકાત નથી. તમને આ સજાનો ઊંડો ત્રાસ છે. એ લોહીમાં તમે પોતાના


ફટકાની લજ્જત
43