પૃષ્ઠ:Jail-Officeni.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હાથ બોળવા તૈયાર નથી. એટલે જ તમે ખડિયામાં ફક્ત કલમ બોળીને બાકીનું યશસ્વી કામ આ મરાઠા મુકાદમ જેવા વીર માટે જ રાખો છો.

હું તો પૂછું છું કે પેલા મૅજિસ્ટ્રેટ સાહેબ ક્યાં છે ? શહેરની કૉર્ટમાં બેઠાબેઠા ઠંડે કલેજે ફટકાની સજા ચીતરનાર એ ન્યાયમૂર્તિને આંહીં બોલાવો ને એના હાથમાં નેતર આપો ! એને પચાસ કદમ પરથી છલંગો મારીને નેતર વીંઝતાવીંઝતા આવવાનું કહો અને એક જ ફટકો મારવા દો, પછી જુઓ – એ પોતે જ મૂર્છા ખાઈને ભોંય પર પટકાઈ પડે છે કે નહિ ? નરવીર મરાઠા મુકાદમ ! આ બધા કરતાં તું કેટલો બધો બહાદુર છે, હું તારાં વારણાં લેવા તલખું છું, પણ આ સળિયારૂપી મારા લોખંડી હાથને દીવાલે જકડી રાખ્યા છે. પણ ધન્ય છે તારી ‘પ્રેક્ટિસ’ને.


◁▷◀▶

44
જેલ-ઑફિસની બારી