પૃષ્ઠ:Jail-Officeni.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[બીજી આવૃત્તિ)

આ ચોપડીનું નામ બિલકુલ કવિતાહીન અને અલંકારમુક્ત છે એ પરથી આમાં કારાવાસી જીવનના રાજદ્વારી જુલમો વગેરેનું બયાન હશે એવી શંકા સહેજે જાય તેમ છે. આ પુસ્તક આલેખવામાં મારી દૃષ્ટિ રાજદ્વારી પ્રચારકાર્યની નહોતી, શુદ્ધ માનવાત્માનું સંવેદન આલેખવાની હતી. એક પક્ષ પીડક ને બીજો પક્ષ પીડિત – એવા બે વર્ગ પાડીને લખ્યું નથી.

જેલના તાળાબંધ પ્રવેશદ્વાર પાસે વહીવટકર્તાઓની ઑફિસ હોય છે અને એ ઑફિસની બારી એ જેલ બહારની ને જેલ અંદરની દુનિયાઓ વચ્ચેના માર્મિક સંપર્કનું એક માત્ર માધ્યમ હોય છે. ખાસ કરીને ‘મુલાકાત’ નામના જે કરુણ સંપર્કની બરદાસ્ત આ ‘બારી’ પર થાય છે તેની બરોબરી તો જીવનનું કોઈ પણ બીજું અંગ કરી શકે તેમ નથી. કોઈ પણ જેલ-સાહિત્યમાં એનો ચિતાર મેં જોયો નથી.

આવી એક બારી પર હું 1930-31ના અગિયારેક મહિના સુધી બેઠો હતો. ત્યાં બેઠાંબેઠાં મને જોવા, વિચારવા, કલ્પના તેમ જ દિલમાં ઘોળવા મળ્યું હતું તેનું કલાવિધાન થાય તે માટે મારે ત્રણેક વર્ષની વાટ જોવી પડી હતી.

1934માં હું જ્યારે આ લખવા બેઠો. ત્યારે મને જોવા મળેલા જેલ અંદરની ને જેલ બહારની સૃષ્ટિ વચ્ચેના સંપર્કના તાત્કાલિક પ્રત્યાઘાતો શમી ગયા હતા. કલાવિધાનને વિક્ષેપકર એવું કોઈ વાતાવરણ મન પર ધગધગતું નહોતું. એટલે જ પછી મેં જેલ-ઑફિસની એ પરિચિત બારીને મોંએથી એની આત્મકથા સેરવી લીધી.

સંજોગોવશાત્ આ પુસ્તક દબાઈ ગયું અને વચમાં કેટલાંયે વર્ષો સુધી અમુદ્રિત રહ્યું. વાચકોની દુનિયામાં એની કેવી છાપ પડી તેની જાણ પણ ઘણી મોડી પડી. કલકત્તાના એક હિન્દી કલમનવેશ દ્વારા આ પુસ્તક હિન્દી ભાષામાં ઊતરી રહેલ છે. સંખ્યાબંધ અજાણ્યા વાચકોએ ‘જેલ-ઑફિસની બારી’ને માટે મારાં સર્જનોમાં એક વિશિષ્ટ ને મહત્તર સ્થાનનો દાવો આગળ કર્યો છે.

આઠ વર્ષે પુનરાવૃત્તિ કરવા માટે આ પુસ્તકને વાંચી ઝીણવટથી તપાસી જતાં મને પણ આ મારા નાનકડા સર્જનની વિશિષ્ટતા સ્પર્શી ગઈ છે ને પ્રત્યેક પુસ્તકના નવ-સંસ્કરણ વખતે પૂફ-વાચનને નિમિત્તે મારે ત્રણેક વારે એનું એ લખાણ જોવું પડતું હોઈ હું જે અનેક ખૂંચતી કઢંગાઈઓને મારી પ્રત્યેક કૃતિમાંથી ચૂંટી કાઢવાનો સતત યત્ન સેવતો હોઉં છું. તેવી બહુ જ ઓછી કઢંગાઈઓ કે કલાવિહીનતાઓ મને આમાં નડી છે. ઓછામાં ઓછી છેકભૂંસ પછી એ પુનઃ વાચકો પાસે આવે છે.

રાણપુર: 3-6-’42
ઝવેરચંદ મેઘાણી
 
[6]