પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ધોરી રસ્તાને કાંઠે. વળી પાછી ત્યાં ને ત્યાં ઝાડની ઓથે પોતે જોતી ઊભી રહી. ને પાછી સાદ કાઢીને રડતી હતી. બચ્ચું છાતીએથી છૂટતું તો નહોતું. છતાં કોઈક દયાવંતને વળગાડવું હતું. પોતાને સંઘરવાની ત્રેવડ નહોતી, છતાં પાછું વાત્સલ્ય એટલું છલકાઈ જતું હતું કે ત્યાં ઊભાંઊભાં જ એનું સુરક્ષણ જોવું હતું. ને એને વિજોગે રોવું હતું. શી એની લાગણીઓની લડાલડી મચી હતી!

વિધવા છતી થઈ ગઈ પોતાની જ કાબેલિયતને અભાવે. ન્યાયાધીશો એને નશ્યત કરી છ મહિનાની. ઇન્સાફ અને કાયદો આ ઝલાઈ ગયેલ અપરાધીની ઉપર ચડી બેઠા. છ મહિનાની મુદત માટે તો મા અને બાળ બેઉને રોટલી પૂરશે આ ધર્મરાજ. પણ તે પછી ? તે પછી આ માનું શું ? આ બાળકનું પેટ કોણ પૂરશે ?

ઈન્સાફ તો કહે છે કે અમારું કામ તો નશ્યત કરવાનું છે: બાળક સાચવવાનું નહિ.

છ મહિને મા બહાર નીકળશે ત્યારે બાળકના દૂધનું શું થશે ?

ઇન્સાફ – કે જેણે બાળકને રઝળતું મૂકનાર માતાને સજા કરી તે ઇન્સાફ – પાછો સજ્જ રહેશે ફરી વાર એ જનેતાની બાલ-હત્યાની નવી કોશિશને નશ્યત કરવા માટે. ખુદ બાળકને માટે શું ?

ત્રીજે દિવસે જેલરની ઑફિસમાં બૂમ લઈને ઓરતની બરાકમાં બુઢ્‌ઢી મેટ્રન આવી પહોંચી: “સાબ, પેલી જુવાન બામણી એના લડકાને ધવરાવતી નથી. ચોગાનમાં રઝળતું મૂકે છે. બોલાવતી નથી. તેડતી નથી. બાળક ચીસો પાડે છે તે તરફ પીઠ વાળીને બેઠી છે.”

– અને જેલર ઊપડે છે માથામાં ટોપો નાખી, હાથમાં લાકડી હિલોળી, રોષ કરતો ઓરતોની બરાકમાં.

“કેમ નથી ધવરાવતી ?”

“શા માટે ધવરાવું ? છ મહિના પછી જીવતું રાખીને ક્યાં લઈ જાઉં ? અહીં જ ભલે એનો અંત આવતો.”

“તારી સાથે તું જ્યાં જાય ત્યાં લઈ જજે.”


હરામના હમેલ
69