પૃષ્ઠ:Jail-Officeni.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જિકર કર-કર બેજાર હો ગયા, કે ઓરત, તું ઉસકા નામ દે, જીસસે યે બચ્ચા તુઝે પેદા હુવા. મેં વો સાલે કો તેરી યા બચ્ચાકી પોશાકી-ખોરાકી ભરનેકા હુકમ કરુંગા. લેકિન સા’બ, યે ઓરત કિસી મર્દકા નામ જ નહિ દેતી. તીન દફે જેલમેં આઈ, મગ૨ નામ નહિ દેતી! એસી જિદ્દી હે યે ઓરત !”

“હેં !” અમારો જેલર બરાડી ઊઠ્યો: “તું નામ કેમ નથી દેતી એ સાલા હરામીનું, હેં બેવકૂફ ? એમાં તારું શું જાય છે ? નામ દઈ દે, નામ દઈ દે !”

પરંતુ વીસ વર્ષની વિધવા બ્રાહ્મણી ડોકું ધુણાવીને નિઃશબ્દ ઊભી રહે છે. પોતાને ફસાવી ખસી જનાર પુરુષને પોતે પોતાની જોડે ડુબાવવા તૈયાર નથી.

આ કુલટા વિધવાની ખાનદાનીને ઓશીકે પુરુષ તો માથું મૂકીને નિરાંતે સૂતો હશે. એ કોણ હશે ? કોઈ આબરૂદાર સજ્જન. ન્યાતનો કોઈ અગ્રેસર હશે. ત્યજેલી અને રાંડેલી દ્વિજપુત્રીઓની જિવાઈઓ મુકરર કરાવી દેનારો જ્ઞાતિ પટેલ હશે. જેના નામનો ઉચ્ચાર આવી કોઈ કુલટાની જબાનથી ન થઈ શકે એવો કોઈ મહા કુલવાન, ઈજ્જતવાન, ધર્માવતારી ત્રિપુંડધારી હશે ! અથવા સંતાનનું પોષણ ન કરી શકે તેવો કોઈ ત્યાગી ધર્માચાર્ય હશે ? જે હોય તે: આ વિધવાની હૃદય-દાબડીમાં એનું નામ સલામત છે.

તમે આ કુલટાના માથા પર ફિટકાર વરસાવો છો ને ? વરસાવો. એ જ લાગની છે રાંડ ! ઉઘાડી પડી ગઈ એની અનાવડતને કારણે. અને પછી ખાનદાન બનવા ગઈ પેલાનું નામ છુપાવીને. ને પોતાના પેટનું ફરજંદ ફેંકનારી હૈયાવિહોણી છે એ તો. એવું હતું તો શા સારુ એણે ગર્ભને ધારણ કરી રાખ્યો પૂરા મહિના સુધી ? શા માટે વખતસર ઠેકાણે ન પાડી નાખ્યું પોતાનું પાપ ? અને આવા ગુલાબી બાળકને સંસારમાં ઉતાર્યા પછી સડક પ૨ કાં ફગાવ્યું ? ફગાવ્યું તો ધોરી રસ્તા પર જ શા માટે ? કોઈ કૂવો-તળાવ નહોતાં ? કાંટાની વાડ્ય નહોતી ? કોતરખેતર નહોતાં ? પહાડખીણ નહોતાં ?

આ મૂરખી તો બાળકને પોતાના એકના એક કોરા સાડલાના કટકામાં લપેટી, મોંમાં અંગૂઠો મૂકી, છેલ્લી બચ્ચી ભરીને ધીરેથી સુવાડી આવી


68
જેલ ઓફિસની બારી