પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૫
જયા-જયન્ત
 

કેટલી યાત્રા કરશે માનવ યાત્રાળુ
પાપના મ્હોટા પોટલા ઉપાડી ઉપાડીને ?
પણ હાશ ! શીળી શીળી લાગે છે
આ મુક્તિપુરીની ધરતી યે.
સાધુઓનાં લોચનમાંથી તો
અમૃતના વરસાદ વરસે છે.
(વિચારે છે.)
ગંગામાં નાહ્યો, દેહ ધોવાયો;
ધોવાશે એવો મ્હારો આત્મા ?
રાવણ તો જીવતો છે જગતમાં.
(વળી વિચારે છે.)
હરિકુંજની સત્સંગગંગામાં ન્હાઇશ,
એટલે ધોવાશે મ્હારો પાપાત્મા યે.
શયતાનના દેવ બને છે ત્ય્હાં.
(જાય છે. ગિરિરજ ને રાજરાણી આવે છે.)

રાજરાણી: ભવ-ભવસાગરમાં ડોલે હો ! માનવનાવ.

જો ! પૂર ઘૂમે,
તોફાન ઝઝૂમે;
કાલના તરંગે હો ! કરે આવજાવ,
માનવનાવ.
મહાસાગરમાં ડોલે હો ! માનવનાવ.
રાજેન્દ્ર ! વાદળ ક્ય્હારે વિખરાશે ?
તોફાન ક્ય્હારે ઉતરશે ?