પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
જયા-જયન્ત
 


ગિરિરાજ: ધીરજ ધરો, રાણીજી ! ધીરજ:

ધીરજમાં ધરણીધર છે.

રાજરાણી:: નાથ ! કેટકેટલાં વન ભમ્યાં,

ખીણો ઉતર્યાં, પર્વતો ચ્હડ્યાં ?
ક્ય્હાં જયા ! ને ક્ય્હાં જયન્ત ?
ને ક્ય્હાં મ્હારા સન્તાન જેવાં
વ્હાલસોયાં ગિરિલોક ?
નિરવિધિ લાગે છે દુઃખનો સંસાર.

ગિરિરાજ: નિરવિધ ભાસે છે સંસારમાં

ત્‍હેને યે અવધ છે, રાણીજી !

રાજરાણી: ક્ય્હાં એ ગંગોત્રીનાં જલજૂથ,

ને ક્ય્હાં એ અલબેલી યોગગુફાઓ ?
ક્ય્હારે નિરખશું નયણાં ભરી
હતું તે સહુ ? ઓ નાથ ?

ગિરિરાજ: જગત જોયું ન્હોતું ત્‍હમે કે મ્હેં,

તે જોયું આપણે યાત્રા કરી.

રાજરાણી: પ્રારબ્ધના અંક અવળા હશે;

નહીં તો દેવી જેવી દીકરી
ને પ્રભુ જેવો પ્રધાનપુત્ર,
યોગીઓનાં યે જાણે આદર્શ;
એમને હોય આવાં વીતકો ?