પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
જયા-જયન્ત
 


જગત જૂવે છે વાટડી હો ! આવો;
અમૃત આણ્યાં તે લોકને ધરાવો;
સુરના સન્દેશ પૃથ્વીને સુણાવો;
દેવનાં દુંદુભી વાગે, બ્રહ્માંડ જાગે,
જય પરાગે
યશકુમાર ! આવો,
સાહેલી સહુ વધાવો
જય ! જય ! કુમાર ! આવો.
આજ આનન્દનો સૂરજ ઉગ્યો.
ગિરિલોકે ઉત્સવ આદર્યો છે;
ને શિખરેશિખરે રોપ્યા છે જયધ્વજ
ઉત્સવના અનિલમાં ફરકતા.
દેવોનો શો છે આદેશ ?

જયન્ત: જયા ! એ ત્‍હારી પ્રેરણાનો પરિપાક.

ત્‍હેં ઉગાડ્યો એ આનન્દનો ભાસ્કર.
દેવોએ કહાવ્યું છે, જયા ! કે
'જેમણે અમરોને જન્મ દીધા
તે જગતની માતાઓને ધન્ય છે.'

જયા:પુણ્યવન્તી જાહ્‍નવી વહે છે,

ને દૂધવન્તી ધેનુ દૂઝે છે,
ત્ય્હાં સૂધી જગતની માતાઓને
અમરો સાંપડશે અવનીમાં યે.