પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
જયા-જયન્ત
 


જયા કુમારીને ચરણે ધનુષ્યબાણ ધરે છે.

એક સહેલી : (બીજીને)

અમરાવતીનો ઉગારનાર,
દૈત્યોનો વિજેતા, વિષ્ણુનો વ્હાલો,
લગ્ન યાચે છે કુમાર
ચરણે મૂકી જયધનુષ્ય પોતાનું.
કુમારી સ્વીકારશે કે નહીં ?

જયા :(વિચારમૂર્છામાંથી જાગીને)

જયન્ત ! વિલાસને હજી વાર છે;
આજ નથી પાકી એની અવધ.

જયન્ત :'વાર' ને 'અવધ' એટલે, જયા !

આવેલાં અજવાળાંને પાછાં વાળવાં.

જયા :બ્રહ્મઅજવાળાં તો અખંડ છે,

ને આથમતાં નથી કલ્પાન્તે યે.
જયન્ત ! ધારણ કર ત્‍હારૂં ધનુષ્ય:
બહુ જીતવાનું છે હજી બાકી.
જો ! જગત મ્હોટું છે,
જગતના દુશ્મનો યે મ્હોટા છે.
દિલમાંના દૈત્યોને જીત,
દેવોને વસાવ દુનિયામાં,
ને બનાવ અવનીની અમરાપુરી.
આશા ને કાળ અનન્ત છે.
કાલગંગાને કોઈ કાંઠડે
કોઈક ઋતુમાં સ્વીકારીશ, કુમાર !