પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
 

પોતાનું સર્વસ્વ જનહિતાય અર્પણ કરી દીધા બાદ ચિંતામણિ સૂરદાસ સાથે પ્રસાદના પાછલા ભાગમાં નિવાસ કરતી હતી. ધીમે ધીમે એનું મન માયાનાં બંધનોને કાપી રહ્યું હતું. સૂરદાસમાંથી પણ પોતાના મનને પાછું વાળવાની તૈયારીઓ એણે આરંભી દીધી હતી. એની સામે એની પ્રેરણામૂર્તિ હતી જનમ જનમની વિજોગણ રાધાની. એના મતે સંયોગ કરતાં વિયોગમાં જ વહાલાની મૂર્તિ અંતરમાં વધારે ઝળહળ્યા કરે છે.

એક દિવસ સૂરદાસની ઝૂંપડીએ આવીને એણે સૂરદાસને કહ્યું, “સૂરદાસ ! ચિંતામણિ પાસે જેમ અજબ સુવર્ણનિધિ છે, તેમ ગજબ સૌંદર્યનિધિ પણ છે. સુવર્ણનિધિની ભેટ ગઈ રાત્રે કરી. આજ તને સૌંદર્યનિધિની ભેટ કરું. સહુ હંમેશાં સ્ત્રી પાસેથી સૌંદર્ય લેવા મથે છે. પણ સાચું સૌંદર્ય તો ત્યારે મળે કે સ્ત્રી સ્વયં એ અર્પણ કરવા અધીરી બને ! અને એ આપવાની ક્ષણ પણ કોઈ ભાગ્યશાળીના જીવનમાં ક્યારેક જ આવે છે!” (પૃ. ૨૪૮) એ સૂરદાસના હાથે અઘોળ કરાવે છે. સ્નાન પછી ચિંતામણિ બહાર આવે છે ત્યારે સૂરદાસ છરી શોધતો હતો. સંસારનું સર્વોત્તમ રૂપ નીરખી હવે એને પોતાનાં નેત્રો નિરર્થક લાગે છે. એ રાત ચિંતામણિએ સૂરદાસના પડખામાં જ વિતાવી. બીજે દિવસે સૂરદાસ જાગે એ પહેલાં સંન્યાસિની બનીને એ ચાલી ગઈ. સૂરદાસને માટે સંદેશો હતો – ‘વિયોગ વૈષ્ણવનો પ્રાણ છે.’ સૂરદાસ પણ ચિંતામણિ વિનાના આવાસને સહી ન શક્યો. એ પણ ત્યાંથી ચાલી નીકળ્યો.

નવલકથાનો અર્ધ ઉપરાંત ભાગ રોકતી ચિંતામણિની કથા એક નારીના વૈવિધ્યભર્યા મધુર, કરુણ પહેલુઓનો પરિચય કરાવે છે. નવલકથાને માધુર્ય બક્ષતી આ કથામાં ઐતિહાસિક સત્ય ઓછું અને લેખકની કલ્પનાનજર વધારે છે, છતાં લેખકની કલમ એમાં જ વધારે હોરી છે. નારીગૌરવનો ચાહક લેખક અહીં ચિંતામણિના પાત્રમાં મન મૂકીને વરસ્યો છે. કોઈકની રાજદુલારી, રાજપૂતી ખાનદાનીની જ્યોત, રૂપબજારમાં રહેંસાતી કળી, ભ્રમરોને આકર્ષતું રૂપ, ડંખની વેદના, એમાંથી જન્મતું નાગણ સ્વરૂપ, સર્વભક્ષી બનીને એમાંથી ઝિંકાતો વિનાશ, સૂરદાસના સંપર્ક એમાં આવતું પરિવર્તન, અકબરશાહ દ્વારા એના પ્રાણમાં સિંચાતી ઝંખના, રજપૂતી ખમીરને સાચે રસ્તે દોરવાની તમન્ના, પુરુષવેષે સાહસી પ્રયત્ન,