પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

સંસારની શા માટે પરવા કરવી જોઈએ ? એના મનમાં તો એક જ અરમાન છે તે પોતાના પવિત્ર સૌંદર્ય-ઝરણનું પાન કરીને જયદેવમાંનું કવિપંખી અમર બને. એ પોતાનો દૃઢ નિરધાર કરી ચૂકી છે. 'પદ્મા, તમારી જીવનસહચરી બનવાનો નિરધાર કરી ચૂકી છે. રાખો તો ય ભલે, ન રાખો તો ય ભલે...મારો અંતિમ નિર્ણય સાંભળી લો. જીવતે કે મૂએ પદ્મા જયદેવની-જયદેવ પદ્માનો થાય કે ન થાય. આગ, ઇર્ષ્યા, અત્યાચાર કે સંસારની કોઈ સત્તા એને રોકી નહીં શકે.' (પૃ. ૩૦) અને ખરેખર મંદિરની આ નૃત્યદાસી ઉપર ધર્માચાર્યો, ભક્તો, પૂજારીઓ અને સમાજે કેર વર્તાવવામાં કંઈ બાકી ન રાખ્યું છતાં તે તો એક મને સમાજના આ બધા દંભીઓને કહેતી રહી- 'જીવતી રહી તો જયદેવની બનીને રહીશ, મરીશ તો ગોવર્ધનધારીનાં ચરણોમાં જઈ વસીશ. આ સિવાય મારો બીજો કોઈ નિર્ણય નથી.' (પૃ. ૪૦). અહીં લેખકે પદ્માના મુખે પોતાનો, સેવાદાસી પ્રથા વિરુદ્ધનો આક્રોશ પ્રગટ કરે છે. એ કહે છે ! સેવાદાસીને પણ દિલ છે તમારા જેવું, એને પણ અરમાન છે તમારા જેવાં. શા માટે ભગવાને હેતથી બક્ષેલા એના બહુરંગી જીવનને વ્યર્થ જવા દે ? તમારી કામનાઓની સિદ્ધિ માટે તમે પશુ, પક્ષીને ભોગ-નૈવેદ્યની જેમ તમારી બહેન-પુત્રીઓને પણ અર્પણ કરતા શરમાતા નથી.' (પૃ. ૪૦).

જગન્નાથપૂરીના પૂજારીઓને આવી સૌંદર્યભરી સેવાદાસીને ગુમાવવી પાલવે એમ નહોતું કારણ કે આવી સેવાદાસી એના સૌંદર્યને કારણે દેશ દેશના ભક્તોમાં ચર્ચાનો વિષય બનતી. ઘણીવાર આકર્ષણનો વિષય પણ બનતી. ભક્તો આ પૂજાના પુષ્પની સુગંધ કે સ્પર્શના લોભથી અનર્ગળ દ્રવ્ય પૂજારીઓમાં દાન-દક્ષિણાને બહાને વહેંચતાં. આ વિષમય વાતાવરણનો પરિચય લેખક ‘ભલે ધર્યો અવતાર' પ્રકરણમાં વિગતે કરાવે છે. ધર્મને નામે ચાલતા રાગદ્વેષ, વિતંડાવાદ, સ્વાર્થ, ઇર્ષ્યા વગેરેનો અહીં સબળો પરિચય થાય છે. (પૃ. ૩૨) અલબત્ત, ધર્માંધતાના વિષભર્યા કડવા લીમડામાં લેખક મીઠી ડાળ જેવા વિષ્ણુદાસ પૂજારીને પણ આલેખે છે. જે કોઈપણ ભોગે પૂજારીઓની સ્વાર્થનીતિને વશ થવાનું પસંદ કરતા નથી. સત્તા સામે ઝૂકવાને બદલે મરવું પસંદ કરે છે પણ પદ્માને દેવદાસી બનવાની ફરજ પાડતા નથી.