પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૨૫
 


  • રાજકારણ અને યુદ્ધનો નફો હંમેશાં નુકસાનરૂપે જ આવે છે એ સંદેશ ઔરંગઝેબના પાત્ર દ્વારા જયભિખ્ખુએ આપ્યો છે. (પૃ. ૧૮૫-૮૬). જે મુત્સદીપણાથી એણે પારકાનાં ઘર બાળ્યાં એ મુત્સદ્દીપણાના ચિરાગે એનાં ઘર પણ બળ્યાં. એણે માણસમાં વસતા શેતાનની જ પરખ કરી. એ પરખે એને શંકાશીલ બનાવ્યો. એ શંકાએ ઘરમાં આગ લગાવી. સ્વજનોને ભરખનાર સર્પકુલનો સંસાર મોગલકુળમાં મંડાઈ ગયો. આલમગીર જેવા ચક્રવર્તીના ચરણમાં આખા ભારતની ધનદોલત આળઓટતી હતી, પણ માનવી સદાકાળ જેનો ભૂખ્યો છે, એ સ્વજન કે સગાનું સુખ એને ક્યારે ય ન મળ્યું.
  • નવલકથામાં નિરૂપાયેલ બૂરો દેવળરૂપ સમાજ અને રાજવીઓને લેખક જાણે કે સૂચવે છે કે ‘तपे सो राजा’ - રાજા તો તપસ્વી હોય, નહિ તો જાણજો ‘राजा सो नरको’.
  • રાજસેવા એ કેવું ખતરાનું કામ કરે છે અને એના પરિણામે ઘણીવાર લાભ કરતાં હાનિ જ વધુ થાય છે એ દુર્ગાદાસના મુખએ લેખકે આવું સૂચવ્યું છે, ‘રાજસેવા કરવી તે નાગી તલવાર પર નાચવા જેવું કામ છે. રાજા એવો અગ્નિ છે, જેને સો વર્ષ સુધી ઘરના આંગણામાં પ્રેમથી સાચવ્યો હોય ને પૂજ્યો હોય પણ એક દિવસ ભૂલથી પણ એને આંગળી અડી જાય તો બાળ્યા વગર ન રહે ! લોકસેવા સારી, રાજસેવા ભૂંડી છે.’ (પૃ. ૨૨૭)

આ નવલકથાના કેટલાક પ્રસંગોને આધાર તરીકે પસંદ કરીને જયભિખ્ખુએ એમાંથી સ્વતંત્ર વાર્તાઓ પણ બનાવી છે. ‘રાજિયો ઢોલી’ (પૃ. પ૩), ‘ચતરો ગહલોત’ (પૃ. ૫૯), ‘કાગા કા બાગ’ (પૃ. ૬૭), ‘દુર્ગાદાસની એકાદશી’ (પૃ. ૧૭૪) જેવા પ્રસંગો અન્યત્ર રૂપભેદે વાર્તા બનીને આલેખાયા છે.

શ્રી જયભિખ્ખુની કથનશૈલી સચોટ અને સરસ હોવાથી હૃદયસ્પર્શી માધુર્ય એ એમના લખાણનો આગવો ગુણ બની રહે છે. એમની ભાષાનું ઝરણું પહાડમાંથી ફૂટતી ગંગોત્રીની જેમ પહેલાં પાતળા રૂપેરી પ્રવાહની પેઠે ફૂટે છે અને ધીરે ધીરે આગળ વધી વેગ અને વિસ્તાર ધારણ કરે છે.