લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૩૫
 

એનામાંનું સ્વમાનશીલ નારીત્વ નષ્ટ થયું નથી. પોતાને ન ગમતા, પોતાનાથી ઘણી મોટી વયના લાલચંદ સાથે જ્યારે એનું લગ્ન થાય છે બલ્કે માસા દ્વારા એનો વિક્રય થાય છે ત્યારે એ વિચારે છે કે ‘આ લગ્ન છે કે દગો ? શું મારે સ્ત્રીની સર્વોત્તમ દોલત સમા શીલને એક દગલબાજને વેચવું ? મનને ન ગમે એવા, આંખને ન રુચે એવા સાથે પ્રભુતાના સંબંધથી જોડાવું ? અર્થહીન અગ્નિને અર્થલોભી પુરોહિત આવી મળ્યા એટલે શું કોઈ પણ લુટારુને એક અબળાને લૂંટવાનો અધિકાર મળી ગયો ? જીવનની આખી સફર એક એવા વહાણમાં શરૂ કરવી જે વહાણ સફરને લાયક જ ન રહ્યું હોય ?’ (પૃ. ર૭). એનું ગજવેલ વ્યક્તિત્વ આ સહન કરી શકે એમ નથી એને જ કારણે પહેલી જ રાત્રે પતિને પોતાના રૂમમાં પ્રવેશ ન આપીને પોતાનો આ લગ્ન સામેનો વિરોધ વ્યક્ત કરે છે. બારણું ન ખોલતી નિર્મળાને સમાજમાં થનારી ફજેતીનો ડર બતાવી લાલચંદ બારણું ઉઘાડવા વીનવે છે ત્યારે પણ તે ફજેતીથી ડરતી નથી.

લગ્નજીવનના પછીના દિવસોમાં પણ પતિ દ્વારા થતા શારીરિક-માનસિક અત્યાચારનો સામનો કરીને પણ મક્કમપણે તે પોતાના વિચારોમાં સ્થિર રહે છે અને પતિની કામવાસનાને તાબે થતી નથી. એટલું જ નહીં પણ પતિના ઘરને ત્યજીને ભાગી જવાનો વિચાર પણ કરતી નથી. પ્રેમના નામે કામવાસના પોષતા પુરુષોનો નિર્મળા બરોબર ઊધડો લે છે. લાલચંદને એ કહે છે : ‘લાલચંદ ! પુરુષદેહના કામરાક્ષસની તૃપ્તિ માટે આજ સુધી ઘેટાં-બકરાંની જેમ સ્ત્રીઓ બલિ બની છે. હવે એ નહિ થાય. તમે એક બુઢ્ઢિને પ્રેમ કરી શકો છો, તો હું એક વૃદ્ધને પ્રેમ કરી શકું. બાકી તો હજાર ટુકડા થાય ત્યાં સુધી તમારા દેહનો રાક્ષસ કદી બલિ નહીં જ પામે’ (પૃ. ૪૯).

વેદનાઓને સહેતાં સહેતાં નિર્મળાના હૃદયમાં સમસ્ત સ્ત્રી જાતિનું પ્રતિનિધિત્વ ઊગી નીકળ્યું હતું. એણે મનોમન નક્કી કર્યું કે, ‘ભલે એ કુમળી કળીઓનું કમભાગ્ય મને વરે, એ ઝેર હું જ પીઉં.’ (પૃ. ૪૮) અને એટલે જ જ્યારે એણે જાણ્યું કે પોતાની પડોશમાં રહેતી દુઃખિયારી કુસુમને ત્યજીને એનો પતિ નવી લાવવાનો છે ત્યારે કુસુમને મળીને એનામાં રહેલી