પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

નિર્બળતાઓ દુર કરાવી એક નવું ખમીર પ્રગટાવે છે. કુસુમ માત્ર કોમળ અને દયનીય કુસુમ ન રહેતાં ઇંટનો જવાબ પથ્થરથી આપતી આત્મગૌરવસભર નારી બને છે. એજ રીતે શોક્યની ઉપર પરણવા તૈયાર થયેલી ગજરાને પણ સાચું માર્ગદર્શન પૂરું પાડે છે. નિર્મળાનો સ્ત્રી-જાગૃતિનો આ યજ્ઞ ધીમે ધીમે વિકાસ પામે છે. શાંતા, વિશાખા, સુંદરા વગેરેના હૃદયમાં સ્ત્રી સન્માનની, સ્વાતંત્ર્યની જ્યોત જગવતી આ નારી અંતે પોતાના પતિ લાલચંદની દોહવાસનાની સાથી તો નથી જ બનતી પણ એને સ્ત્રીવિકાસના પંથે સહભાગીદાર બનાવી અધ્યાત્મજીવનના સાચા સાથીદાર તરીકે કેળવે છે અને એ રીતે સ્ત્રી એ ‘દાસી જનમ જનમની’ નથી પણ ‘સાથી જનમ જનમની’ છે એ રીતે શીર્ષકને સત્ય ઠરાવે છે.

સ્ત્રી સમાજ પોતે જ જો જાગ્રત બને તો જ તેની દુર્દશા મિટાવી શકાય એ વક્તવ્યને રજૂ કરતી નવલકથાનો વિષય સાચે જ રોચક છે. પણ એ યોગ્ય વસ્તુસંકલન તેમ જ અકૃત્રિમ પાત્રચિત્રણ દ્વારા રજૂ થઈ શક્યો નથી. નવલકથાની કલાની દૃષ્ટિએ જોઈએ તો કલાતત્ત્વ અહીં ઠીક ઠીક અંશે હણાયું છે. લેખકે પોતે પણ એકરાર કરતા કહ્યું છે કે ‘લેખક જાણે લેખક રહ્યો નથી, એ સ્ત્રીનો વકીલ બની બેઠો છે’ (પ્રસ્તાવના, પૃ. ૨). ડૉ. મધુસૂદન પારેખે પણ કહ્યું છે, ‘વાર્તાકારનો સ્ત્રી સન્માન અંગેનો પ્રબળ અભિનિવેશ એમને વાર્તાકારને બદલે પ્રચારક બનાવી મૂકે છે.’ (કાર્યવાહી : સને ૧૯૫૮). આમ છતાં પણ આ નવલકથા આકર્ષક બની છે એમાંના જીવનચિંતનને કારણે.

સદીઓથી કચડાયેલું, કચડાતું આવતું નારીજીવન એની આવી દુર્દશામાંથી કઈ રીતે ઉગરી શકે એ લેખકની ચિંતા, ચિંતનનો વિષય રહેલો છે. અન્યત્ર પણ નારીગૌરવની મશાલ પેટાવતા આ સર્જક અહીં તો જાણે નારી-ગરિમાનું પુરાણ જ ખોલીને બેસે છે. સ્ત્રીશક્તિનું ચલણ સમાજને કેવા ઊંચા સ્થાન ઉપર મૂકી આપે એ વર્ણવતાં નિર્મળા કહે છે : ‘એ નોંધી રાખો કે જ્યારે સ્ત્રી-શક્તિનું ચલણ હશે, ત્યારે પુરુષો જેને ધર્મ કે નીતિ લેખવે છે એવી યુદ્ધોની અધર્મલીલા નહિ હોય, મોટે ભાગે સ્વાર્થથી થતી લડાઈઓ નહીં હોય, માનવતાનાં મૂલ અંકાશે કારણ કે સ્ત્રી એક માનવનો જન્મ