પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૩૭
 

એટલે શું તે બરાબર જાણે છે. સ્ત્રી સંસારમાં ન હોત તો કદાચ માનવતા, પુણ્ય, પાપ કે સહિષ્ણુતા, કાલ્પનિક વાતો રહેત, શીલવંત સંસાર કોઈ તિલેસ્માતી બનાવ હોત. સ્ત્રી અર્પણ-ધર્મ છે. એની નિંદા કરનાર નર નહિ પણ હેવાન છે.’ (પૃ. ૧૪૦).

સ્ત્રીવિરોધી શાસ્ત્રમાં થયેલાં વિધાનોને પણ જયભિખ્ખુ ઉદાહરણોથી ખંડિત કરતાં કહે છે કે ભલે શાસ્ત્રમાં કહેવાયું હોય કે સ્ત્રીમાં પુરુષ કરતાં આઠ ગણો કામ હોય છે. હકીકતમાં સ્ત્રીમાં જેટલો સંયમ છે એટલો પુરુષમાં ક્યાંય જોવા નહીં મળે (પૃ. ૧૩૭). નિર્મળા કહે છે : ‘સ્ત્રી ચાહે તો પણ સહેલાઈથી કામવાસના તૃપ્ત ન કરી શકે તેવી કુદરતે તેની રચના કરી છે. બંધન તો નુગરા પુરુષોને જરૂરી છે. સ્ત્રીને તો એક ક્ષણની તૃપ્તિ પાછળ લાંબું સહન કરવાનું હોય છે.’ (પૃ. ૧૪૦).

આમ છતાં એ પણ એટલું જ સત્ય છે કે સ્ત્રીના શીલભંગ માટે એકલો પુરુષ જ જવાબદાર નથી. સ્ત્રી પણ એટલી જ જવાબદાર છે. જેને અણીશુદ્ધ રહેવું હોય એને દુનિયાની કોઈ તાકાત ડગાવી શકે નહીં. નિર્મળા શાંતાને કહે છે, ‘બેન ! પુરુષોને શા માટે દોષ દેવો ? એ માટે જેટલા શેઠ જવાબદાર છે એટલી જ તું જવાબદાર છે. સીતા જેવી સુકોમળ અબળા રાવણને ત્યાં અણીશુદ્ધ રહી, એ કોના બળે ? આપણે બગડવું ન હોય તો પછી બગાડનાર દુનિયામાં કોઈ જન્મ્યો છે ?’ (પૃ. ૮૮).

આજની શિક્ષિત નારી જે પ્રકારનું શિક્ષણ પામી છે એ શિક્ષણ જયભિખ્ખુની દૃષ્ટિએ સાચું શિક્ષણ નથી. આજની નારીનું ચિત્ર ઉપસાવતાં નિર્મળા કહે છે : ‘આજની શિક્ષિત અર્ધદગ્ધ બહેનો ગઈ કાલની બહેનો કરતાં વધુ સુકુમાર, વધુ શોખીન અને વધુ પુરુષાશ્રિત બની છે. અલબત્ત, મોંથી પુરુષનો તિરસ્કાર કરે છે પણ અંદરથી પુરુષ વિના એમને ચાલતું નથી.’ (પૃ. ૧૮૬). ભણેલી સ્ત્રીઓનો શોખ, સુવાંળપને ટપારતાં નિર્મળા કહે છે : ‘આ જ કારણે તો જૂની સ્ત્રી હીન બનેલી ! તમે એની પુનરાવૃત્તિ કાં કરો ?’ (પૃ. ૧૯૧).

લેખકના મતે આજની સ્વતંત્ર નારીએ પોતાના જીવનવિકાસ માટે