પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

વર્તમાનકાળે ઉપયોગી એવા નવક્રાંતિના અનેક તેજસ્કુલ્લિંગો જન્માવ્યા છે. આ નવલકથા દ્વારા લેખકને સૂચવવું એ છે કે —

જે યુગમાં માનવીમાત્રને મન કંઈ કરી છૂટવાની તમન્ના હોય, અન્યને માટે સમર્પણની ભાવના હોય એ યુગ જ મહાન થઈ શકે છે.

સંસારમાં દ્રવ્ય, સત્તા કે કીર્તિ અગત્યનાં નથી. માનવી માનવી માટે મરવું, અન્યના કલ્યાણ અર્થે સ્વહિતનો ત્યાગ કરવો એવી જે ભાવના એ જ સાચો ધર્મ.

વળી પ્રસ્તુત નવલકથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની જન્મજાત દંભી મોટાઈને મટાડવાનો પ્રયત્ન પણ પોતાની રીતે કરે છે.

‘હરિ કો ભજે સો હરિ કા હોય’ એ આદર્શ આ નવલકથાસર્જન સમયે લેખકચિત્તમાં જણાય છે.

માણસની પંથ, પક્ષ કે જાતિ વગરની માણસ તરીકેની યોગ્યતા, મહાનતા લેખકને દર્શાવવી છે.

નવલકથામાં નાયકપદે મેતરાજ છે છતાં એનું જીવન અલ્પ પ્રમાણમાં મળ્યું હોવાથી ઘણીવાર એનું નાયકપદ ‘વિક્રમાદિત્ય હેમુ’ માંના હેમુની જેમ ઝાંખુ પડતું જણાય છે. છતાં નવલકથામાં બધે એના જીવનસૂરનો તંતુ તો ચાલ્યો જ આવે છે જે વાતાવરણને એકસૂત્રતા બક્ષે છે. નાયકની જેમ નાયિકાસ્થાને તો કોઈ સ્થિર ચરિત્ર જ મળતું નથી છતાંય વાત્સલ્યની અનુપમ મૂર્તિ સમર્પણની ધારા સમાન મેત-રાણી વિરૂપા તથા વિરૂપાના ગુણને જાણી સમાજની નિંદાની પરવા કર્યા સિવાય એને હૃદયથી ચાહતી શેઠાણી દેવશ્રી બંનેનાં ચરિત્ર લેખકની કલાસૂઝનાં પુરસ્કરણીય પુરાવા બની રહે છે. આ ઉપરાંત સમાજશિક્ષિકાનું ગૌરવયુક્ત પદ સાર્થ કરતી ગણિતા દેવદત્તા, પોતાના બત્રીસેય પુત્રોને રાજસેવામાં સમર્પિત કરી ધર્મને સાચા અર્થમાં પચાવતી સુલસા, મૂર્તિમંત ધર્મધારા સમાન રાજરાણી ચેલ્લણા પણ યથોચિત ઠીક ઊપસ્યાં છે.

શ્રી અનંતરાય રાવળને આ નવલકથાની પાત્રસૃષ્ટિમાં સૌથી વધારે