પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૫૭
 

આરંભ્યા, અહિંસાનો મહિમા વધાર્યો, ગીત-સંગીત-નૃત્ય-નાટ્યને પ્રોત્સાહિત કર્યા અને સૈન્યને વિલાસિતામાં ડુબાડવા માંડ્યું. બીજી બાજુ મહોલ્લે- મહોલ્લે, જ્ઞાતિ-જ્ઞાતિએ, રાજ્યે-રાજ્યે વિખવાદ ઊભો થાય એવી વાતો વહેવડાવવા માંડી. મુનિ વેલાકૂલે એક પ્રેમી સમાજની સ્થાપના કરી જેણે શસ્ત્ર ક્યારેય નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી. દેવી ફાલ્ગુનીએ પોતાનાં નગ્નનૃત્યોથી પ્રજાની વિલાસિતાને બહેકાવવાનો વિશેષ પ્રપંચ સાધ્યો.

આમ વૈશાલી જ્યારે ભોગ-વિલાસ-વૈભવમાં ગળાડૂબ થતી જતી હતી ત્યારે એને ખ્યાલ પણ ના આવે એ રીતે મગધની સેના વૈશાલીની સરહદો દબાવતી જતી હતી. છેવટે એક દિવસ મગધપતિ અજાતશત્રુ પોતાની સેના સાથે વૈશાલીની નજીક આવી પહોંચ્યો. શત્રુ આવ્યાના સમાચારે દરેક જૂથમાં ઉત્તેજના તો ફેલાવી, પણ સૌ અંદરોઅંદર એક-બીજાને સલાહ આપવા માંડ્યા. યુદ્ધ આરંભવાની અને તે રીતે શત્રુને સીમાડેથી ભગાડવાની વાત બુદ્ધ-મહાવીરની અહિંસાપ્રેમી પ્રજાને રુચતી નથી. છતાં યુદ્ધની રણભેરી સાંભળી સૌ વૈશાલીના મુખ્ય મેદાનમાં મળે છે ત્યારે પહેલો પ્રશ્ન એ થાય છે કે આ રણભેરી વગાડી કોણે ? તપાસ કરતાં ખબર પડે છે કે યુદ્ધભેરી ન્યાયદેવતા વર્ષાકારે જ બજાવી હતી પણ એ વૈશાલીમાં ક્યાંય દેખાતા નથી. મગધના ગુપ્તચર પંખીઓ – વર્ષાકાર અને ફાલ્ગુની - વૈશાલીની ગુપ્ત વાતો લઈને ઊડી ગયાં હતાં. વૈશાલી વગર લડ્યે હણાઈ ગયું હતું.

આમ વિલાસ તરફના પ્રેમ ને વૈભવ પ્રત્યેની પ્રીતિએ વૈશાલીને શતમુખ વિનિપાત તરફ દોરી. અંદરઅંદરના મતભેદોએ એની શક્તિને પાંગળી બનાવી દીધી. મગધની સામે લડવા જવાનું સૌથી પહેલાં પ્રેમી સમાજે સ્વીકાર્યું. પ્રેમધર્મની અસર અને અહિંસાનો પ્રભાવ બતાવવા નીકળેલા આ પ્રેમીજનો યુદ્ધના મેદાનમાં પહોંચ્યા ત્યારે મગધ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે એમનો સામનો શસ્ત્રથી કરવામાં આવશે નહીં એટલે જ ઠીક ઠીક માણસોની ભરતી એમાં થઈ હતી. તેઓ જ્યારે યુદ્ધના મેદાન ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં મગધના બે સંહારયંત્રો મોજૂદ હતાં પણ લડાઈ લડનારો યોદ્ધો કોઈ હતો નહિ. પ્રેમીસમાજ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે મગધની શિબિરમાંથી એક ઘોડેસ્વાર એમની પાસે આવ્યો