પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

રાજધર્મ એ ત્યાગધર્મની પૂર્વદશા જેવો છે. રાજા એ યોગીનો પૂર્વાર્ધ
અવિજેયતા આત્માની હોવી જોઈએ. દેહની અવિજેતા સંસારમાં રાવણરાજ્ય જન્માવશે.
જે શક્તિ સો હાથીને સંહારી શકે પણ એક કીડીને જિવાડી ના શકે એવી શક્તિનો અર્થ નથી.
સર્જન વગરની શક્તિથી કદી સંસારનું ભલું થતું નથી.

લેખક દૃઢપણે માને છે કે ધર્મ દ્વારા જ દેશનું, સમાજનું કલ્યાણ થઈ શકે. એ ધર્મ સાચો ધર્મ હોવો જોઈએ. લેખકના મતે જે ધર્મમાં સત્યને ખાતર સર્વસ્વ અર્પણ કરવાનું શહુર હોય એ જ સાચો ધર્મ. લેખક માને છે કે કર્તવ્યને ખાતર દેહને ડૂલ કરવો એ જ મોટામાં મોટી ધાર્મિકતા.

કાયાની રક્ષા ને ધર્મના સગવડિયા ઉપયોગને તેઓ ધર્મ ગણાવતા નથી. સિંહને સન્માનવા જેવી ને ઘેટાને રહેંસવા દેવા જેવી અહિંસા એ સાચી અહિંસા નથી. આપણે ત્યાં સૌએ ધર્મનો સગવડિયો ઉપયોગ કર્યો છે, જેમાં આત્માનો નાશ થતો હોય એવી ધાર્મિકતાને આ નવલકથામાં આર્ય કાલકના પાત્ર દ્વારા લેખક સતત ઉપાલંભે છે. લેખક દૃઢપણે માને છે કે રાજાના પાપમાં પ્રજાનો પણ હિસ્સો છે. પ્રજા સબળ હોય તો રાજા સ્વચ્છંદચા આચરી શકે નહીં. પ્રજા જાગ્રત હોય તો કોઈ રાજ્યસત્તાની હિંમત નથી કે એ બેફામ રીતે વર્તી શકે. પ્રજા વ્યક્તિ કરતાં સમષ્ટિના હિતને મહત્ત્વ આપતી હોય, મક્કમ હોય, નિસ્વાર્થી હોય, અર્પણશીલ સ્વભાવની હોય તો કોઈ નેતા કે રાજા એનો દ્રોહ ક્યારેય કરી ન શકે. ઉજ્જૈનીની પ્રજામાં ધર્મનું આ સાચું શહુર નહોતું એટલે જ ગર્દભિલ્લ રાજાના અનાચાર અને અન્યાય છડેચોક ચાલતા હતા.

લેખકના આર્ષદર્શનના અનુસંધાનમાં આ નવલકથાના કેટલાક વસ્તુખંડો સાંપ્રત પરિસ્થિતિમાં પણ અવનવા સ્વરૂપે અનુભવાય છે એ નોંધપાત્ર છે. કોઈ પણ પ્રજાતંત્રનું કૌવત જ રાજ્યતંત્રની બેફામ પ્રવૃત્તિને કાબૂમાં રાખી શકે છે, પછી ભલેને એ તંત્ર ‘સ્વાતંત્ર્ય’ નામધારી કેમ ના