પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૯૯
 

વિશિષ્ટ પ્રકારની ઐતિહાસિક નવલત્રયી- ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’ અને ‘દિલ્હીશ્વર’ સૌ પ્રથમ જયભિખ્ખુ જ આપે છે. ઇતિહાસની શુષ્ક વિગતોને કલ્પનાની રંગપૂરણીથી કક્ષાક્ષમ બનાવવાની જયભિખ્ખુની ગુંજાશ આ નવલત્રયીમાં અનુભવવા મળે છે.

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોનું તલસ્પર્શી અધ્યયન કરતાં જણાય છે કે પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ ઇતિહાસને મોટે ભાગે ક્યાંય વિકૃત બનાવ્યો નથી, ઇતિહાસ સાથે અણછાજતાં અટકચાળાં કર્યાં નથી. ઇતિહાસને તેઓ વફાદાર રહ્યા છે. મુનશીએ જે પોતાની નવલોમાં ઇતિહાસનો માત્ર ટેકણલાકડી તરીકે ઉપયોગ કર્યો છે એવું જયભિખ્ખુએ કર્યું નથી. એ વાતની પ્રતીતિ મુગલકાલની યુગની ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ કે પછી ‘બૂરો દેવળ’, ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ જેવી નવલો કરાવે છે. ‘ભાગ્યવિધાતા’ જેવી ઊભડક રીતે લખાયેલી નવલમાં પણ તેઓ ખુદ કબૂલે છે : ‘કથા અંગે કેવળ નિવેદન એટલે કે કલ્પનાના વ્યોમમાં વિહરતા ઇતિહાસની શૃંખલાને તોડી નથી.’ (લેખકની વાત.)

ઇતિહાસના કથાવસ્તુના ઇતિહાસ અંગે જ્યાં જૈન અને બૌદ્ધ પરંપરા પ્રચલિત છે ત્યાં મોટે ભાગે જયભિખ્ખુ જૈન પરંપરાને વિશેષ અનુસર્યા છે. ‘નરકેસરી’માં મગધરાજનું જે ચરિત્ર એમણે ઉપસાવ્યું છે એમાં બૌદ્ધ અને જૈન મતમાંથી જૈન મતનું અનુસરણ વધુ જણાય છે. ‘સંસારસેતુ’, ‘કામવિજેતા’ વગેરેમાં પણ જૈન પરંપરાનું અનુસરણ ઇતિહાસ સાથે નવલકારે વિશેષ પ્રમાણમાં કર્યું છે.

ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી આ નવલો પાત્રપ્રસંગના આલેખનમાં તેના સમયના વાતાવરણને લક્ષમાં રાખીને કેટલી હદે નવલકથામાં કલ્પનાતત્ત્વને ઉમેરે છે અને એનો વિનિયોગ નવલકથાની કલાપ્રવૃત્તિને કેટલો ઉપકારક થયો છે એનો મહિમા તપાસી શકાય એ હેતુથી જેટલી જરૂરી જણાય એટલી ઇતિહાસભૂમિકા પોતાની નવલોની પ્રસ્તાવનામાં આપવાનું જયભિખ્ખુ ચૂક્યા નથી. આ પ્રસ્તાવના ઇતિહાસના ઊંડા અભ્યાસી જયભિખ્ખુને આપણી સમક્ષ ઉપસાવે છે.