પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

વમળમાં અટવાતી વિરૂપા (‘સંસારસેતુ’) કે પછી જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા સ્વસુખોને ત્યજી જગતસુધારનો અહાલેક જગાવવા નીકળી પડેલા નેમ-રાજુલ (‘પ્રેમાવતાર’), ધર્મની વિનિષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના માટે માટે માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકનાર જૈન મુનિ કાલક (‘લોખંડી ખાખનાં ફૂલ’), પ્રભાવશાળી અને અન્યને પોતાના પ્રકાશથી ડારતા વ્યક્તિત્વની બાબતમાં મુનશીની મંજરી કે શશીકલાની યાદ આપતી નિર્મળા (‘દાસી જનમ જનમની...’) વગેરે એમાં નોંધપાત્ર છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો શાશ્વત જીવનતત્ત્વોથી ઘડાયેલાં લાગે છે. એકવાર વાંચ્યા પછી ચિરકાળ આપણી કલ્પનામાં રમ્યાં કરે છે તેવું તેમનું કલાવિધાન છે. જેમકે ‘નરકેસરી’માં મારવિજય અને દિગ્વિજય બંનેમાં કાલાન્તે વિજયી નીવડનાર મગધરાજ શ્રેણિક બિંબિસારનું માનવી તરીકેનું પાત્ર જયભિખ્ખુએ ઉપસાવ્યું છે. તેજઅંધારના લિસોટા જેવું આ પાત્ર ભાવકચિત ઉપર અમીટ છાપ મૂકી જાય છે.

નવલકથા આમ તો કથનાત્મક, વર્ણનાત્મક સાહિત્યપ્રકાર છે. આમ છતાં નવલકથાકાર ટૂંકા, સચોટ, ચેતનવંતા અને વ્યક્તિત્વના રંગો સુરેખરૂપે ઉપસાવે એવા સંવાદ યોજીને નવલકથાને નાટ્યાત્મક બનાવી શકે છે. જયભિખ્ખુની નવલોમાં ક્યાંક સંવાદો ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. (‘કામવિજેતા’, પૃ. ૧૮), તો ક્યાંક લાંબા અને ઉપદેશાત્મક સંવાદો (કામવિજેતા, પૃ. ૧૩૦) પણ જયભિખ્ખુ યોજે છે. ‘કામવિજેતા’ના કેટલાક સંવાદો આ દૃષ્ટિએ તપાસવા જેવા છે. લાગણીભર્યા પ્રવાહી સંવાદ, ચિંતનરસ્યા, ટૂંકા અને જીવનના મર્મને સમજાવતા સંવાદો પણ તેઓ યોજે છે. ‘કામવિજેતા’માં રૂપકોશા-સ્થૂલિભદ્ર વચ્ચેના કે પછી ‘ભક્તકવિ જયદેવ’માં જયદેવ-પદ્મા વચ્ચેના સંવાદો આ પ્રકારના છે. ‘કામવિજેતાના’ સંવાદોની વિશેષતા એ છે કે એમાં એક જ ભાષાની અંદર બધાં પાત્રો બોલે છે છતાં એમનાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જુદી જુદી શ્રેણીઓ તેઓ દર્શાવી શક્યા છે. એક વેળાનો પતિત યુવાન સ્થૂલિભદ્ર સર્પની કાંચળીની જેમ બધું ફગાવી કામવિજેતા બને છે, મુનિઓમાં મહાન બને છે - આ બધા વખતે સંવાદમાં ભાષા બદલાતી નથી અને છતાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જ