પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૪૩
 

લેખક માત્ર વરવું સમાજદર્શન કરાવીને જ અટકી જતો નથી. આ બધાના મૂળમાં જે વાત પડેલી છે તેને પણ વાર્તાઓ દ્વારા બતાવે છે. લેખકને લાગે છે કે આ બધાના મૂળમાં મુખ્ય વાત એ છે કે આપણે જીવન પ્રત્યે આદર ખોયો છે, વૃત્તિઓની તૃપ્તિમાં સુખ જોયું છે, આપણે શીલ ખોયું છે. શીલના આનુષંગિક સત્ય, સંયમ ને ઉદારતાને બદલે આખો સમાજ દંભ, વિલાસ ને સંકુચિતતા તરફ જઈ રહ્યો છે. શીલરૂપી ચિંતામણિનો સમાજમાં વર્તાતો અભાવ લેખકની વાર્તાઓમાં નિરૂપાયો છે.

સમાજ એ એક એવું બળ છે જેની સામે માનવીની સત્યપરાયણતા, આદર્શ ડગમગી ઊઠે છે. સમાજની પરંપરા દુર્ભેદ્ય નાગપાશની જેમ એને એવી રીતે વળગે છે કે એને એ ત્યજી શકતો નથી. સમાજમાં ચાલતાં દંભ, દૂષણ, રિવાજ, જલસા ને સમારંભોના શયતાની ચક્કરમાં એ અટવાતો જાય છે. રાષ્ટ્રિય ક્રાંતિ સમયે સામી છાતીએ ગોળી ઝીલતો જુવાન ઘરનાં બંધનો સામે લાચાર બની જાય છે. ગમે તેટલો બળવો કરે તો પણ છેવટે લાચારની જેમ પીઠ ફેરવીને નાસી છુટવું પડે છે. ‘ટોપીવાળો’, ‘પાઘડીએ મંગળ’, ‘પ્રેમલગ્નની પત્ની’માંના પાત્રની સમાજ સામેની ક્રાંતિ છેવટે આગિયાના ઝબકારા જેવી જ નથી નીવડતી શું ?

આ વાર્તાઓમાંની મોટાભાગની કાઠિયાવાડના જનજીવનને પ્રગટ કરે છે. કેટલીક જૈનોને સ્પર્શે છે. પણ લેખક કહે છે તેમ ‘પરિસ્થિતિ પરત્વે દેશ કે ધર્મથી કંઈ ભેદ પડતો નથી. કોઈપણ પ્રાંત કે ધર્મમાં નારીની સ્થિતિ લગભગ આવી જ છે.’

પાત્રચિત્રણની દૃષ્ટિએ આ સંગ્રહની વાર્તાઓને તપાસીએ તો અહીં વૈવિધ્યયુક્ત સ્ત્રી-પુરુષોનો મેળો જોવા મળે છે. અહીં સુવર્ણા (પારકા ઘરની લક્ષ્મી), સુજાતા (વાંકો સેંથો), સરિતા (પાઘડીએ મંગળ), કમલા (પરોઢનું પંખી), સુરભિ (પ્રેમલગ્નની પત્ની) જેવી નવા યુગની નારી છે. જેમાંની કેટલીક પોતાના શિક્ષણ, સંસ્કારને ઉજાળે છે તો કેટલીક અનાચારની વાહક બને છે. અહીં લક્ષ્મી (પારકા ઘરની લક્ષ્મી) જેવી સહનશીલ છે તો સુમંગલા (ચોરાયેલી) જેવી દુઃખિયારી કન્યકા પણ છે. અહીં નિરંજના (સૌંદર્ય કે કલા) જેવી રૂપ અને ધન પાછળ પાગલ નારી પણ છે, તો રાધા (વાંઢાઓનું