પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૪૫
 

પણ ક્યાંક નવા અને ચમત્કૃતિયુક્ત છે. જેમ કે પારિજાતકનાં પુષ્પ સમી સુવર્ણા (પૃ. ૩), ‘ઘોડાનાં મોં પર ચઢાવેલા તોબરાની જેમ ફૂલેલાં મોં’ (પૃ. ૧૦), પહાડની જેમ ઓગળતી સ્ત્રી (પૃ. ૫૧), કામનું ‘ભચડિયું’ કે ‘નમાલમૂંડી’ (પૃ. ૧૭), જેવાં શબ્દપ્રયોગ કાઠિયાવાડી જબાની બળકટતાને વ્યક્ત કરે છે તો સૂર્યોદય માટે લેખકે કરેલી ચિત્રાત્મક કલ્પના ‘ઉષાદેવીના લાલચોળ અધરોષ્ઠ પર સૂરજદેવે જ્યારે પહેલવહેલું ચુંબન ચોડ્યું’ (પૃ. ૧૪૨) કે પછી ‘અરુણના દ્વાર પર ઉષા આવીને ઊભી રહી, ત્યારે આકાશના ચંદરવામાં નવલખ હીરાની ભાત પડી ચૂકી હતી.’ (પૃ. ૨૧૪) એમાંનુ વર્ણન વાર્તાઓને મોહક બનાવે છે.

‘પારકા ઘરની લક્ષ્મી’ શ્રી જયભિખ્ખુની વાર્તાકલાને સુપેરે પ્રકાશિત કરતો અને વિશેષે લીબળથી સંક્રમણશીલ બનતો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે. એમાં પ્રગટ થયેલ નારીજીવનનું વૈવિધ્ય એક રીતે જોઈએ તો ‘ખ્યાતવૃત્ત’ ગણાય પણ શૈલીની અનેકવિધ શક્યતાઓ દાખવીને લેખકે એ ખ્યાતવૃત્તને વાર્તાક્ષમ બતાવ્યું છે. લોકપ્રિયતાની દૃષ્ટિએ પણ ‘પારકા ઘરની લક્ષ્મી’ નોંધપાત્ર પરિણામ દાખવે છે એનું પ્રમાણ સંગ્રહની એકાધિક આવૃત્તિઓથી પ્રાપ્ત થાય છે.

‘વીરધર્મની વાતો’ ભા. ૧ થી ૪ :

અનુક્રમે ઈ. સ. ૧૯૪૭, ૪૯, ૫૧ અને પ૩ની સાલમાં પ્રગટ થયેલ ‘વીરધર્મની વાતો’ના ચાર ભાગમાં મુખ્યત્વે જૈનધર્મના કથાંશોવાળી વાર્તાઓ સંગ્રહાઈ છે. ‘વીરધર્મની વાતો’ નામના પહેલા ભાગમાં પંદર, ‘ભગવાન મલ્લીનાથ અને બીજી વાતો’ નામના બીજા ભાગમાં છ, ‘દેવદુષ્ય અને બીજી વાતો’ નામના ત્રીજા ભાગમાં નવ અને ‘સિંહપુરુષ અને બીજી વાતો’ નામધારી ચોથા ભાગમાં તેર મળીને કુલ ૪૩ વાર્તાઓ ધરાવતા આ વાર્તાસંગ્રહમાં લેખક દ્વારા જૈન મહાપુરુષોનાં પ્રતાપી ચરિત્રોમાંથી કથાંશો લઈને એની વાર્તા રૂપે રજૂઆત થઈ છે.

મુખ્યત્વે જૈન ધર્મના ગ્રંથોમાંથી કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખીને લેખકની પોતાની રીતે લખાયેલી આ કથાઓને જૈનો તરફથી જેટલો આદર સાંપડ્યો છે એટલો જ આદર જૈનેતરો તરફથી પણ મળ્યો છે.