પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
જયભિખ્ખુ:વ્યક્તિત્ત્વ અને વાઙમય
 


તેના ઉપર કોઈ વાર ખાદીનો તો કોઈ વાર મિલનો કોટ, માથે ધોતી ટોપી અને શામળા મોં પર જાડાં ચશ્માં.... ખડતલ શરીર, વ્યવસ્થાપ્રવીણ બુદ્ધિ, મસ્તીરંગ અને આદર્શ પ્રેમનો સમન્વય બતાવતું દિલ, વૈદકથી માંડીને રાજકારણ સુધીની વાતો-વિગતોમાં રસ અને સમજ, બીજાનું કામ કરી છૂટવાની તત્પરતા, મિત્રો-પરિચિતો સહુનું મન મેળવવાની સ્વાભાવિક ફાવટ. એવા જયભિખ્ખુમાં જીવનના ધ્યેય અને પોતાના કાર્ય વિષે હંમેશાં સ્પષ્ટ નક્શો છે. એમનું વ્યક્તિત્વ Awe - inspiring - ભયયુક્ત માન પેદા કરે તેવું નહીં પરંતુ Magneitc ચુંબકીય છે.

એકની એક બંડી સાબરના નીરમાં આંતરે દિવસે પલાળીને પહેરવાની અને છતાં છાતી કાઢીને ગૌરવપૂર્વક હરવું-ફરવું એ એમનો સ્વભાવ અને છતાં એમનું જીવન કેટલું ઉલ્લાસમય અને પ્રસન્ન ! મુખ પર સદા તરવરતું હાસ્ય, રોષ અને તોષમાં પણ નીતરતી સ્નેહાર્દ્રતાએ સૌને આત્મીય બનાવ્યા છે. સ્વભાવની એ ઉલ્લાસિતા અને પ્રસન્નતાએ, દીર્ધદર્શિતાએ અને આત્મીય ભાવે તેમના દામ્પત્ય અને કૌટુંબિક જીવનને એવું તો રસમય અને સદ્‌ભાવપૂર્ણ બનાવ્યું છે કે જાણે સાકરનો ગાંગડો, જ્યાંથી મોંમાં નાખો ત્યાંથી મધુરમ્ મધુરમ્ !

ગુલાબી હૈયાની મસ્તી અને ત્યાગી પુરુષાર્થી મનની અમીરીનો સથવારો શોધતા જયભિખ્ખુનો જીવનાદર્શ હતો સમાજને તંદુરસ્ત જીવનદૃષ્ટિ પ્રેરે તેવું સાહિત્ય પીરસવાનો. વાચકના ધ્યાનને પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે અને સાથે સાથે તેને કશાક ઉદાત્ત આનંદનો અનુભવ કરાવે એવું સાહિત્ય પીરસવું એ એમની તમન્ના હતી. આથી જ પોતાના સાહિત્ય દ્વારા એમણે જીવનમાં અને સાહિત્યમાં રસિકતા અને ઊર્ધ્વગામિતાનો મેળ સાધવાનો-સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે.

સાહિત્ય આમજનતાના ઉત્થાન માટે છે, જીવનઘડતર માટે છે તથા જીવનમાંગલ્ય માટે છે એ સત્ય સદેવ જયભિખ્ખુએ પોતાની નજર સમક્ષ રાખ્યું છે અને એ સત્યને અનુરૂપ એમનું સમગ્ર સાહિત્ય સ્વચ્છ, નિર્ભેળ અને માંગલ્યકર રહ્યું છે.

જયભિખ્ખુ બહુજનસમાજને કંઈક આપવું છે, કંઈક કહેવું છે, પોતે જે