પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેમ બળીને ભસ્મ કરી નાંખે છે એ બનાવતી વાર્તા છે ‘પાણી અને આગ’. પૌરાણિક સંદર્ભયુક્ત આ વાર્તામાં લેખકે મૂકેલા કેટલાંક નવાં અર્થઘટનો અને વિચારો ઉલ્લેખનીય છે. દ્રૌપદીનાં વસ્ત્રાહરણ પ્રસંગને નવી રીતે વર્ણવતાં જયભિખ્ખુ કહે છે, ‘નવ્વાણુ વાર ચીરહરણનો નિશ્ચય કરી નવ્વાણુ વાર પડતો મૂક્યો. શ્રીકૃષ્ણની પ્રતિભા અને બળે બળે અનાચારથી સદાચાર તરફ ખેંચી જતી હતી. ત્રણ ટકાની છોકરી મને ચળાવી જાય ? દુર્યોધનનો હિંમતનો વૃષભ શિંગડાં ઊંચકતો ને થોડી વારમાં શ્રીકૃષ્ણની પુણ્યપ્રકોપવાળી આંખો જોતાં ગળિયો બળદ બની જતો.’ (પૃ. ૮૪-૮૫). ભીષ્મ, દ્રોણ, દુર્યોધન વગેરેએ સ્વયં અનીતિ આચરી અન્ય પાસે નીતિની માગણી કરી પણ એ માગણી કેવી રીતે પૂરી થાય ? જયભિખ્ખુ વર્ણવે છે, ‘જેના પર મોટો મદાર હતો, એ ભિષ્મ પિતામહ શિખંડીથી હણાયા. છેલ્લે એમણે નીતિ માગી, એ વખતે એમને નીતિ કોણ આપે ?’ (પૃ. ૮૯) આચાર્ય દ્રોણને ‘નરો વા કુંજરો વા’ની ભ્રમણામાં રાખી હણી નાખ્યા. અસત્ય વાતને અસત્ય સામે મળ્યું (પૃ. ૯૦). દુર્યોધનને ભીમે યુદ્ધનીતિની વિરુદ્ધ જઈ સાથળમાં ગદા મારી હણી નાખ્યો. અધર્મને અધર્મ મળ્યો. (પૃ. ૯૦).

સર્જનાત્મક ગદ્યના આછા લસરકાવાળી ‘દિલનો રંગ’ મહારાજા સયાજીરાવનાં પુત્રિ ઇંદિરાના કૂચબિહારના જિતેન્દ્ર સાથેના પ્રેમની, પ્રેમના એ રાહમાં પિતા દ્વારા ઊભી કરાયેલી વિપત્તિઓની વ્યથાકથા છે. સંસારનો સુખ્યાત સુધારક રાજવી જ્યારે ઘરમાં સુધારાની વાત આવી ત્યારે કેવો માટીપગો બની ગયો એની વાત આ વાર્તામાં સરસ રીતે નિરૂપાઈ છે, તો સરસ્વતીના દાસત્ત્વ કરતાં લક્ષ્મીનું દાસત્વ કેવાં અનર્થકારી પરિણામો લાવે છે એ ‘લક્ષ્મી નારાયણ’ વાર્તામાં વર્ણવ્યું છે.

નાનકડા માણસોમાં પણ ઘણીવાર કેવી મોટકડી ભાવનાઓ પડી હોય છે એ વાતની પ્રતીતિ ‘કલ્યાણ કૉચમેન’ વાર્તા કલ્યાણ નામના એક ડ્રાઈવરના ઉમદા ચરિત્રનો પરિચય કરાવે છે. નોકર થઈને દેહ વેચવો પડ્યો પણ આત્માને જાળવવા વર્ષો જૂની નોકરીને એક ક્ષણના પણ વિલંબ વગર ત્યાગનાર આ માણસમાં લેખકને ગુજરાતના સંસ્કારસ્વામીનું દર્શન થાય છે.