પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

યાત્રાળુ એ વખતે સામૂહિક રીતે સંઘમાં યાત્રાએ જતા. કોઈ શ્રીમંત વ્યક્તિ સંઘનો તમામ ખર્ચ ઉપાડતી. આ વ્યક્તિને સૌ સંઘપતિનું બિરુદ આપતા. ‘ધર્મલક્ષ્મી’ વાર્તામાં શત્રુંજયની યાત્રાએ ભેગા મળેલા બાવીસ યાત્રાસંઘોના સંઘપતિઓમાંથી શ્રેષ્ઠ સંઘપતિને તીર્થમાળ પહેરાવવાનું નક્કી થયું. શ્રેષ્ઠતા સિધ્ધ કરવામાં સૌ સંઘપતિઓમાં ધરણાશા સૌથી આગળ રહ્યા જેમણે બત્રીસ વર્ષની ભરયૌવન વયે રૂપલાવણ્યભરી પત્ની હોવા છતાં, ધન આરોગ્ય હોવા છતાં, સંતાનની અછત હોવા છતાં કઠિનમાં કઠિન એવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું.

વજ્રનું પણ વજ્ર પ્રેમ છે એ ધ્વનિસંદેશ આપતી પૌરાણિક સંદર્ભયુક્ત ‘વજ્રનું પણ વજ્ર' વાર્તામાં જેના પિતા મહર્ષિ દધીચિએ દેવોના કલ્યાણ અર્થે પોતાનું જીવન અર્પણ કર્યું. એ જ કાર્યની વૈરાગ્નિમાં તપતા એના પુત્ર મુનિ પિપલાદ દ્વારા થતી વિફલતા વર્ણવાઈ છે. લેખકનું કથન વાર્તા દ્વારા એ છે કે પિપળાના મુનિના મનઝરૂખામાં જ્યારે વેરની જ્વાલાઓ ભભૂકતી હતી ત્યારે વિશ્વ સમગ્ર વૈરમય હતું અને જ્યારે એ મનઝરૂખાએ પ્રેમનું સાચું સ્વરૂપ નીરખ્યું ત્યારે એની ઉદાત્તતા સોળે કળાએ નિરખી ઊઠી.

રાષ્ટ્રિય ચેતનાના જુવાળને વ્યક્ત કરતી ‘કલમનો સિપાહી’ વાર્તામાં કાગળ અને કલમના એક સિપાહીનું, પત્રકારત્વની પથ્થરિયા ભૂમિના લડવૈયા શ્રી રામરખસિંહ સહગલનું રેખાચિત્ર વાર્તાકારે ઉપસાવ્યું છે. રાજકીય ક્રાંતિ અને સામાજિક સુધારાની અદમ્ય ધૂન સાથે ફરતાં આ કલમના સિપાહીએ એક સિંહની અદાથી પરદેશી સરકાર સામે જે મૂઠભેડ વેઠી એને જયભિખ્ખુએ સરસ રીતે વર્ણવ્યું છે.

‘અણનમ કે અડબંગ’ વાર્તામાં પરમ હિંદુ જામ અબડો મુસ્લિમ સુંદરીઓને રક્ષણ આપવા કેવી શૂરવીરતાથી મેદાને પડ્યો, શીલસંપત્તિને જ સર્વધર્મની શ્રેષ્ઠ સંપત્તિ લેખી, એ સુંદરીઓના રક્ષણ કાજે સ્વધર્મ તજી પરધર્મ સ્વીકાર્યો, ને એ પરધર્મી સ્ત્રીઓના રક્ષણમાં પોતાના પ્રાણની આહુતિ આપી. અબડાનું સાચા ધર્મશૌર્યને દાખવતું અણનમ વ્યક્તિત્વ વાર્તામાં સુરેખ આલેખાયું છે.

રાજાભોજની ધારાનગરી જ્યારે જલધારાથી છલકાઈ જતા સરોવરની