પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સખત તકેદારી રાખવી પડે છે. એક પણ કડી કાઢી નાખતાં નાટકની સળંગ સંવાદિતા તૂટી ન પડે એ ધ્યાનમાં રાખવું પડે, નાટકમાં રસશૃંખલિત પ્રસંગો જ યોજવા ઘટે અને છતાં આ પ્રસંગો આમ જ બનશે એવું શ્રોતા – પ્રેક્ષકવર્ગ ભવિષ્યકથન કરવા જાય તો એમાં એ થાપ જ ખાય એ પ્રકારે એમને છેતરતા, હાથતાળી દઈ જતા પ્રસંગો જ નિરૂપવા ઘટે. નાટકમાંનો દરેક પ્રસંગ પ્રેક્ષકવર્ગને આશ્ચર્યમુગ્ધ કરતો જાય એવો રચાતો આવે એમાં જ નાટ્યકારની વસ્તુગૂંથણીની સફળતા રહેલી છે.

નાટકમાં ઘટનાઓમાંથી જ, ઘટનાઓની પડછે જ પાત્રવિકાસ સધાતો જાય છે, પાત્રના વિકસનમાં પણ વસ્તુવિકાસની જેમ જ અણધાર્યા વળાંક, અનપેક્ષિત પરિવર્તન, અણચિંતવ્યો કોઈ સ્ફોટ નાટકકાર દ્વારા સધાવો જોઈએ. આ બધું જ પાત્ર પ્રત્યેની ભાવકવર્ગની માનસપ્રક્રિયાને સચેત અને આકર્ષિત રાખી શકે, અને સહેજ પણ બેધ્યાન ન થવા દે. પાત્રોનું ચારિત્ર્યચિત્રણ બનાવોના નિયોજનમાંથી તો પ્રગટે જ છે, પણ આ ઉપરાંત પાત્રોની ક્રિયાઓ અને તેમના સંવાદો દ્વારા પણ નાટકકાર સરસ રીતે સચોટ ભાવે વ્યક્ત કરી શકે છે. પાત્ર દ્વારા થતી ક્રિયાઓનાં નવાં અર્થઘટનો, શબ્દોની વાક્યોની વિભિન્ન વિશિષ્ટ સંદર્ભોમાંથી ઊપજતી નવી અર્થછાયાઓ, ઊક્તિની વૈવિધ્યભરી છટાઓ અને ભાષાના વૈચિત્ર્યથી જાગી જતાં અવનવીન સંવેદનો તેમ જ જબાનીના લય સરસ ધ્વનિસ્વરૂપથી પ્રગટ થતાં ઊંડી અનુભૂતિ અને સ્વચ્છ આંતરદર્શન નાટકને સિદ્ધિને શિખરે પહોંચાડવામાં મદદરૂપ નીવડે છે.

સાહિત્યનાં અન્ય સ્વરૂપો કરતાં નાટકની રચના અઘરી એ અર્થમાં છે કે અન્ય સ્વરૂપોમાં કથન, વર્ણન અને મનન ત્રણેને યથાવકાશ સીધેસીધા પોતાના વક્તવ્યના પ્રવાહમાં મૂકવાની છૂટ હોય છે, એ છૂટ નાટકકારને નથી. નાટક એ પૂરેપૂરી પરલક્ષી કળા છે. એટલે નાટકકારે એ કામ પાત્રો વચ્ચે ચાલતો સંવાદ દ્વારા સાધવાનું હોય છે. નાટકના ઉદ્દિષ્ટને વાચકના ચિત્ત સુધી પહોંચાડવાનું એ એક માત્ર સાધન છે. તેથી નાટકમાં સંવાદનું મહત્ત્વ વધારે છે. સંવાદ દ્વારા પાત્રનું વ્યક્તિત્વ ઉઠાવ લેતું જાય, નાટકનું